Homeસાહિત્યગુજરાત કરતા મહારાષ્ટ્રના લેખકોની સ્થિતિ સારી છે : તારક મહેતા

ગુજરાત કરતા મહારાષ્ટ્રના લેખકોની સ્થિતિ સારી છે : તારક મહેતા

આખરે એ ઘડી આવી ગઈ. આજે તારક મહેતાની વાતો કરવાનો ચોથો દિવસ છે. ચોથો પણ અંતિમ નહીં. જ્યારે પણ તારક દાદા કે તેમની દુનિયાને ઊંધા ચશ્મા કૃતિ સહિતના પુસ્તકો યાદ આવશે ત્યારે ત્યારે તેમની વાતો કરતાં રહીશું. આમ તો તારક દાદા સાથે ચાબુકના સંબંધો વર્ણવીએ તો એક એવી ટનલ બને જેમાંથી વાચકની ગાડી પસાર થાય પણ ટનલ પૂરી ન થાય. તારક મહેતાની આવી જ સાત વાતો વિશે વાત કરીએ.

1) તારક મહેતા ગુજરાતીમાં લખે. સંભવ છે આપણને બધાને એમ જ લાગવાનું કે તારક મહેતા ગુજરાતી સાહિત્ય ખૂબ વાંચતા હશે, પણ ના. તારક મહેતાને અંગ્રેજી સાહિત્ય વાંચવું ખૂબ ગમતું હતું. કોલેજમાં તેમણે અંગ્રેજીની પોકેટ બુકો પણ વસાવી હતી. ડિક્શનરી પણ રાખેલી. પોકેટ બુકમાં લખેલો અંગ્રેજીનો કોઈ સ્પેલિંગ ન સમજાય તો પછી તેમાંથી શોધીને તેનો અર્થ સમજી લેતા હતા.

2) તારક મહેતા સ્મૃતિ વિશેષમાં લેખક અને સંશોધક ઉર્વીશ કોઠારી 34 નંબરના પેજ પર લખે છે, ‘‘તારકભાઈનું હાસ્યલેખન જ્યોતીન્દ્ર કે તેમની પછીના કોઈ લેખક સાથે નહીં, પણ મસ્તફકીર જેવા જ્યોતીન્દ્રના પૂર્વસૂરિઓ સાથે વધારે સામ્ય ધરાવતું હતું. (ઊંધા ચશ્મા નામની એક કોલમ 1930ના દાયકામાં શયદાના તંત્રીપદેથી નીકળતા સાપ્તાહિક બે ઘડી મોજમાં આવતી હતી. તેમાં લેખક તરીકે સ્પેક્ટેટરનું નામ આવતું, જે જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ હોવાની સંભાવના છે.)’’

3) છેલ્લે ચિત્રલેખા સિવાય દિવ્ય ભાસ્કર શરૂ થયું ત્યારે રવીવારની પૂર્તિમાં બાવાનો બગીચો અને અહા જિંદગીમાં એન્કાઉન્ટર નામની કોલમ તારક દાદાએ લખી હતી.

4) અશોક દવે આ લેખક વિશેક લખે છે કે, ‘એમની લોકપ્રિયતા કરતાં એમની નિખાલસતા વધુ બળવાન હતી. એમનામાં જે નથી જ, એ પરાણે લાવવાનાં વલખાં કદી ન મારતા. મુંબઈ-ગુજરાતમાં એમને પ્રવચન કરવાના પૈસા તો મબલખ મળે. પણ એમણે પોતાની અણઆવડતો છુપાવી નહોતી ને છૂટથી કહેતા, ‘હું સારો વક્તા નથી.’

5) અજિત પોપટે તારક મહેતાનો ઈન્ટરવ્યૂ કરેલો જેમાં તારક મહેતાને એક લેખ લખતા કેટલો સમય લાગે આ અંગે પૂછ્યું હતું, જે વિશે તારક મહેતા બોલે છે, વિઝ્યુલાઈઝ કર્યા વિના હું કદી લખી શકતો નથી. વાંચનારની સામે ઘટના બની રહી હોય તેવું લાગે તો જ એ મુક્ત મને હસી શકે. એટલે એને તમે મારી લાક્ષણિકતા કહો કે મર્યાદા, પણ આખો એપિસોડ હું કલ્પનાથી મારી આંખ સામે બની રહેલો જોતો. પછી એને લખવા બેસતો. શરૂમાં સાંજે લખવા બેસતો તો બીજી સવારે પૂરો થઈ જતો.

6) તારક મહેતા કહે છે કે, મારા આદર્શ વજુ કોટક અને પી.જી.વુડહાઉસ. જેમ સાયગલની નકલખોરી કરતા કરતા મુકેશ બની જવાય તેમ હું તારક મહેતા બની ગયો.

7) તારક મહેતા પોતાની આત્મકથામાં હરિકસન મહેતા વિશે કહે છે કે, બધાના ભાગ્યમાં હરકિસન મહેતા લખાયેલા નથી હોતા. યુરોપ કે અમેરિકાના લેખકને બીજા દેશ વિશે લખવું હોય તો તેને એ દેશમાં જવા દે છે અને લેખકનો ખર્ચો પણ ઉપાડવામાં આવે છે. ગુજરાતની તુલનાએ મહારાષ્ટ્રના લેખકોની સ્થિતિ સારી છે. તેમને ઘણું માન મળે છે. જોકે અહીં મારે કબૂલવું જોઈએ કે હરકિસન મહેતાનો મને ખૂબ જ સહકાર છે. હું તેમને ગોવા વિશે લેખ લખવાનું કહું તો તેઓ મને ગોવા જવાની સગવડતા કરી આપે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments