Team Chabuk : ચિત્રકૂટ નગરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ શિકાર કરવા તે જંગલમાં ગયો. જંગલમાં રખડતા રખડતા એ રસ્તો ભૂલી ગયો અને એકલો પડી ગયો. થાકીને એક વૃક્ષની ઓથે તે આડો પડ્યો. એ વૃક્ષના છાયે પોરો ખાતો જ હતો કે એક ઋષિ કન્યા તેને દેખાય. તેની ચાલ અને મુખના અપરંપાર સૌંદર્યને જોઈ રાજા તેના પર મોહી પડ્યો.
થોડીવારમાં તો ઋષિ પોતે જ ત્યાં પધારી ગયા. ઋષિએ પૂછ્યું, ‘તું અહીં કેમ ?’
રાજાએ ઋષિને જવાબ આપ્યો, ‘હું અહીં શિકાર કરવા માટે આવ્યો હતો. જંગલમાં મારું સૈન્ય મારાથી વિખૂટુ પડી ગયું અને હું ખોવાઈ ગયો. હવે માર્ગની શોધમાં છું.’
ઋષિએ શિકારની વાત સાંભળી રાજાને કહ્યું, ‘પુત્ર, તું મૂંગા પશુઓને મારીને પાપની કમાણી કરી રહ્યો છે.’
ઋષિની વાત સાંભળી રાજાનું હ્રદય પરિવર્તિત થઈ ગયું. તેણે ઋષિને કોઈ દિવસ શિકાર ન કરવાનું વચન આપ્યું. ખુશ થઈને ઋષિએ કહ્યું, ‘તારે જે માંગવું હોય તે માંગી લે. તે આજે લીધેલા વચનથી હું અત્યંત પ્રસન્ન થયો છું.’
રાજાએ ઋષિ કન્યા માગી. ઋષિ પહેલા તો માની જ નહોતા શકતા કે એમની પુત્રીના વિવાહ રાજા સાથે થઈ રહ્યા છે. ઋષિએ પણ ખુશ થઈને પુત્રીના વિવાહ રાજા સાથે કરી દીધા. રાજા જંગલમાંથી ઋષિ કન્યાને લઈ મહેલ તરફ જઈ રહ્યો હતો. વગડામાં તેને એક ભયંકર રાક્ષસનો ભેટો થઈ ગયો. એ રાક્ષસ બોલ્યો, ‘હું તારી રાણીને ખાઈ જઈશ. જો તું ઈચ્છે કે એ બચી જાય તો સાત દિવસની અંદર અંદર એક એવા બ્રાહ્મણપુત્રનું બલિદાન આપ, જે પોતાની ઈચ્છાથી બલિદાન આપવા તૈયાર હોય. અને હા, તેના માતા-પિતા તેને મારતી વખતે તેના હાથ પગ પકડી લે.’
રાજા એકલો હતો અને રાક્ષસ ભયંકર હતો. તેણે ડરીને તેની વાત માની લીધી. તે પોતાના નગરમાં પરત ફર્યો અને મંત્રીને આ આખી વાત કહી સંભળાવી. મંત્રીએ કહ્યું, ‘તમે ચિંતિત ન થાવ, હું કંઈક બંદોબસ્ત કરું છું.’
એ પછી મંત્રીએ સાત વર્ષનાં બાળકની મૂર્તિ બનાવડાવી. તેને મોંઘા ઘરેણા પહેરાવી નગર નગર અને ગામે ગામે ઘુમાવ્યો. એ બાળકને ઘુમાવવામાં આવતો અને સાથે જ કંઈક આવો ઢંઢેરો પીટવામાં આવતો, ‘સાંભળો….. સાંભળો… સાંભળો… જે કોઈ બ્રાહ્મણ પોતાના સાત વર્ષના બાળકનું બલિદાન આપશે. અને બલિદાનના સમયે તેના મા-બાપ તેના હાથ પગ પકડશે. તેને આ આભૂષણોથી જડીત મૂર્તિ અને સો ગામ આપી દેવામાં આવશે.’
આ ખબર એક બ્રાહ્મણ બાળક સાંભળી રહ્યો હતો. એ રાજી થઈ ગયો. તેણે મા-બાપને કહ્યું, ‘તમને તો ઘણા પુત્રો મળી જશે. પણ મારા શરીરથી રાજાની ભલાઈ થશે અને તમારી ગરીબી દૂર થઈ જશે.’
મા-બાપે તેને ના પાડી પણ બાળક હઠ લઈ બેઠો હતો. તેણે માતા-પિતાને સમજાવતા કહ્યું, ‘દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે તેનો પુત્ર મોટો થઈ માતા પિતાનો ટેકો બને. તેને સારી રીતે રાખે. હું પણ બલિદાન આપી આપની તવંગરતા દૂર કરીશ. આનાથી ઉત્તમ શું હોઈ શકે ?’
બાળકે આખરે માતા પિતાને રાજી કરી લીધા. માતા પિતા બાળકને લઈ રાજાની પાસે ગયા. રાજા તે ત્રણેને લઈ રાક્ષસ પાસે ગયો. રાક્ષસ જોતો હતો. મા-બાપે તેના પુત્રના હાથ પગ પકડ્યા અને રાજા તેનો તલવારથી વધ જ કરવાનો હતો કે બાળક હસવા માંડ્યું.
વેતાલ અટકી ગયો અને રાજાને પૂછ્યું, ‘હે રાજન્, એ બતાવ કે બાળક મરતા પહેલા શા માટે હસ્યો ? તું એ વાતથી જ્ઞાત છો રાજન્ કે ઉત્તર ખબર હોવા છતાં નહીં બોલીશ તો તારું માથું ફાટી જાશે. બોલ.’
રાજા પહેલા તો વિચારવા લાગ્યો. તેને ખબર હતી કે જવાબ આપીશ તો વેતાલ ઊડી જશે, પણ જવાબ આપ્યા વિના છૂટકો નહોતો. રાજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ‘એટલા માટે કે ડરના સમયે મનુષ્યને હંમેશાં પોતાના માતા-પિતા સાંભરી આવે છે. માતા-પિતા ન હોય તો પીડિતોની મદદ રાજા કરે છે. રાજા ન કરે ત્યારે એ વંચિત મનુષ્ય દેવોનું સ્મરણ કરે છે. પણ અહીં તો કોઈ બાળકની સાથે જ ન હતું. માતા-પિતા હાથ-પગ પકડેલા હતા. રાજા તલવારથી વધ કરવાનો હતો અને રાક્ષસ તેનું ભક્ષણ કરવાનો હતો. બ્રાહ્મણપુત્ર પરોપકાર માટે પોતાનું શરીર આપી રહ્યો હતો. બસ, આ જ હર્ષ અને અચરજથી તે હસ્યો.’
વેતાલ આ સાંભળીને બોલ્યો, ‘રાજન્ તે ન બોલવાની શરત તોડી દીધી. તો ચાલ હું જાઉં છું.’ આમ કહી વેતાલ અંતર્ધાન થઈ ગયો. રાજા ફરી સિદ્ધવડ તરફ દોડ્યો. ઝાડ પર લટકતા વેતાલને મહામુસીબતે ઉતાર્યો અને ખભા પર નાખી ચાલવાની શરૂઆત કરી. રસ્તામાં વેતાલે ફરી એક વાર્તા કહી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત