Team Chabuk : વિશાલા નામની નગરીમાં પદ્મનાભ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ જ નગરમાં અર્થદત્ત નામનો એક સાહુકારો હતો. અર્થદત્તની અનંગમંજરી નામની સુંદર પુત્રી હતી. તેના વિવાહ અર્થદત્તે એક ધનિક સાહુકારના પુત્ર મણિવર્મા સાથે કર્યા હતા. મણિવર્મા પત્નીને અત્યંત પ્રેમ કરતો હતો, પણ પત્ની તેને પ્રેમ નહોતી કરતી.
એક દિવસની વાત છે. મણિવર્મા કોઈ કામે પરદેશ ગયો હતો. ઘરમાં એકલું લાગતા અનંગમંજરી બહાર રખડવા માટે નીકળી. એ રસ્તામાં જતી હતી ત્યાં જ તેની રાજપુરોહિત કમલાકર પર દૃષ્ટી પડી. નજર પડતા જ તે તેના પ્રેમમાં પડી ગઈ. તેણે નજીક જઈ તેની સાથે મીઠી વાતો કરી. સામે કમલાકર પણ તેના સૌંદર્ય પર મુગ્ધ થઈ ગયો. એ પણ તેને ચાહવા લાગ્યો.
મણિવર્મા ઘરે આવી ગયો. હવે અનંગમંજરી પ્રેમીને મળવા નહોતી જઈ શકતી. દિવસો પસાર થવા લાગ્યા હતા. તેને ઘરમાં એકલું એકલું લાગતું હતું. તેને કમલાકર સાથે વિવાહ કરવા હતા, પણ વિવાહ કરતા કોઈ રોકી શકતું હતું તો એ હતો તેનો પતિ મણિવર્મા. જે તેને જીવ કરતા પણ વધારે પ્રેમ કરતો હતો. અને કમલાકર સાથે વિવાહ કરવા માટેનો એક જ રસ્તો હતો કે આ જન્મમાં મૃત્યુ પામી બીજો જન્મ લેવો. જો તે પ્રેમી સંગાથે ભાગી જાય તો નગરના લોકો શું શું વિચારે.
અનંગમંજરીએ મહેલના બગીચામાં જઈને ચંડીદેવીને પ્રણામ કરતા કહ્યું, ‘જો મને આ જન્મમાં કમલાકર પતિના રૂપમાં ન મળ્યો તો આગલા જન્મમાં મળે.’
ચંડીદેવી આગળ આટલા શબ્દો બોલી અનંગમંજરીએ દોરડુ લીધું. આસોપાલવના ઝાડ પર તેને ખૂબ મજબૂત રીતે બાંધ્યું. હવે તે મરવાની જ હતી ત્યાં તેની એક સખી આવી ગઈ. સખીએ આ જોયું તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ. આખી વાત સાંભળ્યા પછી તેણે અનંગમંજરીને વચન આપ્યું કે, તે તેની કમલાકર સાથે ભેટ કરાવી દેશે. અનંગમંજરી દાસીની વાત સાંભળી ખુશ થઈ ગઈ અને ભેટી પડી.
દાસી સવારમાં કમલાકર પાસે ગઈ અને બંને વચ્ચે બગીચામાં જ મુલાકાત કરાવવાનો પ્રબંધ કરી દીધો. કમલાકર બગીચા પાસે આવ્યો અને અનંગમંજરીને જોઈ.
તેને જોતા જ તે તેને ભેટવા માટે દોડવા લાગ્યો. અનંગમંજરી પ્રેમીને જોઈ એટલી ખુશ થઈ ગઈ કે તેના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા અને તે મૃત્યુ પામી. તેને મૃત્યુ પામેલી જોઇને કમલાકરનું હ્રદય પણ ત્યાં જ ફાટી ગયું અને તે પણ મૃત્યુ પામ્યો.
એટલામાં મણિવર્મા ત્યાં આવી ગયો. જમીન પર જુએ છે તો એક અજાણ્યો યુવક અને તેની પત્ની મરેલા પડ્યા હતા. તેને સમજતા વાર ન લાગી કે પત્ની કોઈ અન્ય યુવકને પ્રેમ કરે છે. પત્નીને ખૂબ પ્રેમ કરતો મણિવર્મા, પત્નીની આ સ્થિતિ જોઈ વધારે સમય ઊભો ન રહી શક્યો. એ જમીન પર ફસડાઈ પડ્યો અને મૃત્યુ પામ્યો.
દાસી તો ઊભી ઊભી જુએ છે. એક સાથે ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. હવે ક્યાંક મને સઘડો દોષ ન દે. ત્યાં ચંડીદેવી પ્રગટ થઈ ગઈ. તેણે આ ત્રણે મૃતકોને જીવિત કરી દીધા.
આટલું બોલી વેતાલે રાજાના ખભા પરથી પોતાનું મોઢું અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં કરવા માંડ્યું. અને પછી બોલ્યો, ‘રાજન્ એ બતાવ કે આ બધામાંથી સૌથી વધારે વૈરાગી કોણ? પ્રેમમાં સૌથી આંધળું કોણ ?’
રાજાએ કહ્યું, ‘મારા વિચારથી તો મણિવર્મા જ કહેવાય, કારણ કે એ તો તેની પત્નીને બીજા માણસ સાથે પ્રેમ કરતો જોઈને શોકથી જ મૃત્યુ પામ્યો. અનંગમંજરી અને કમલાકર તો અચાનક મળવાની ખુશીમાં જ મૃત્યુ પામ્યા. તેમાં કોઈ અચરજની વાત નથી.’
રાજાનો જવાબ સાંભળીને વેતાલ ફરી વૃક્ષ પર લટકી ગયો. રાજા તેની પાછળ દોડ્યો અને તેને સિદ્ધવડ પરથી ઉતારી ખભા પર નાખ્યો.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા