Homeસિનેમાવાદજે શિદ્દતથી વિક્રમ રોલ પ્લે કરે છે એ શિદ્દત મેં બીજા કોઈ...

જે શિદ્દતથી વિક્રમ રોલ પ્લે કરે છે એ શિદ્દત મેં બીજા કોઈ અભિનેતામાં નથી જોઈ

ઝાલાવાડી જલજીરા: એક્ટિંગ શીખવાની બે પ્રયોગશાળા છે. ત્રીજી છે જેની બાદમાં વાત કરીશું. ભારતમાં અભિનય શીખવાની કેટલીય શાખા આવેલી છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનય કરી સ્ક્રિન પર ઓજસ પાથરનારાઓનો હિન્દી સિનેમામાં તૂટો નથી. FTIIમાં પણ અભિનય શીખી શકો. હવે તો દરેક વયોવૃદ્ધ અભિનેતા પોતાની અભિનય શાળા ખોલી નાખે છે. અમદાવાદમાં અનુપમ ખેરની અભિનય શાળા છે.

નંબર બે છે કે કોઈ ડ્રામા કંપનીને જોઈન કરી લો. ડ્રામાનો ફાયદો એ થાય છે કે બાદમાં ફિલ્મ પ્રવેશ થાય તો રિટેકથી બચી શકો. દિગ્દર્શકની મહેનત બચી જાય. ફિલ્મનું શૂટિંગ ઝડપ ઝડપથી પતી જાય. આ સિવાય એક કેટેગરી આવે છે જ્યાં ખૂબ ઓછાને પ્રવેશ મળે છે. તેનું કોઈ પ્રવેશફોર્મ નથી. તેની કોઈ ફી નથી. કોઈ શીખવતું નથી. એ શ્રેણીનું નામ છે સેલ્ફ લર્નિંગ.

એક્ટિંગનો કોર્સ કરી લીધા પછી પાત્ર તો અભિનેતાએ પોતે જ ઉભું કરવાનું છે. ત્યાં દિગ્દર્શક તેને છૂટી છવાઈ માહિતી આપશે કે મારે આવું પાત્ર જોઈએ છીએ. એ પછી અભિનેતાએ એ પાત્રને જન્મ આપવાનો છે. તેને ઉછેરવાનું છે. ખૂદને ભૂલી જવાનું છે અને તેનો ઉદ્દભવ કરવાનો છે. તમારા ‘હું’ માંથી ખોવાઈ કોઈ બીજા ‘હું’ માં પ્રવેશ કરવાનો છે.

આવું દરેક અભિનેતા નથી કરી શકતાં. જો હું આંકડાની મઠાગાંઠ બાંધુ તો કરોડોમાં એક વ્યક્તિ એવો પાકે છે જે આ કરી શકે છે. ક્રિશ્ચન બેલ કરી શકે છે; ભારતમાં વિક્રમ કરી શકે છે. આ વિક્રમનો આજે જન્મદિવસ છે. મેં મારી જિંદગીમાં ઘણા અભિનેતા જોયા, પણ જે શિદ્દતથી વિક્રમ રોલ પ્લે કરે છે એ શિદ્દત મેં કોઈનામાં નથી જોઈ. એ ડિસીપ્લિન. એ રોલને ભજવવા માટેની તેની મહેનત. એ પાત્ર પ્રવેશ. એ આંખોથી કરવામાં આવતો અભિનય. દુ:ખમાં દર્શકના હ્રદયને ચીરીને રાખી દેતું મુખડું. દુ:ખમાં છો તો વિક્રમને જુઓ. તેની ફિલ્મો મહામારીના દુ:ખ કરતાં પણ વધારે વ્યથિત કરી નાખે છે!

2009ની સાલમાં શુક્રવારની કોઈ એક ફિલ્મની પૂર્તિ જોઈ તેમાંથી માહિતી મળેલી કે તેરે નામ વિક્રમની ફિલ્મ સેથ્થુ પરથી બની હતી. વિક્રમ એ ફિલ્મમાં આશિક બને છે. આશિક બનાવી રડાવે છે. 2014ની સાલમાં આઈ ફિલ્મ ભલે સાયન્સ ફિક્શન થ્રિલર હોય. એક કપોળકલ્પિત ઘટના હોય, પણ તેની અંદર તો પ્રેમ જ હતો. જ્યારે વિક્રમના બિહામણા ચહેરાને પોતાના બે હાથ વડે પકડી નાયિકા એમ્મી જેક્સન કહે છે, ‘હું તારા જેવી થઈ જાત તો તું મને છોડેત.’ બસ, આને જ તો પ્રેમ કહેવાય છે. આના માટે તો એક પુરુષ અને સ્ત્રી જીવતા હોય છે, પણ લગ્ન પહેલા આ વસ્તુ તો કેટલાક પાત્રો વચ્ચે જ શક્ય બને.

સેથ્થુનું દુ:ખ વિક્રમનું એકલાનું ન રહેતા દરેક આશિકનું બની ગયું હતું. સલમાન ખાને તેને ઉધાર લીધું તો હિન્દી સિનેમા પ્રેમીઓનું થઈ ગયું, પણ તે દુ:ખની પરિભાષા કેવી હોય તેનો તો સમૂળગો પરિચય વિક્રમે જ કરાવ્યો હતો.

ધિલ નામની ફિલ્મ પરીક્ષાની તૈયારી કરતાં છોકરાઓ માટે છે. નાયક પોલીસ ઓફિસર બનવા તૈયારી કરે છે. ગર્લફ્રેન્ડને મેળવે છે અને રેસ્ટોરન્ટમાં અંટસ થઈ જાય છે. ત્યાંથી વાર્તા રિવેન્જ બાજુ વળાંક લે છે, જ્યાં દક્ષિણની મોટાભાગની ફિલ્મો લેતી હોય છે. રામ જીતે છે અને રાવણ હારે છે. કથાવસ્તુ તો દક્ષિણની પૂર્વકાલીન ફિલ્મો જેવું જ હતું, પણ વિક્રમના અભિનયે તેને અલગ બનાવીને રાખી દીધું.

કાલી, સમૂરાઈ, સામી અને પછી આવે છે પીથગમન, જેની હું અગાઉ વાત કરી જ ચૂક્યો છું. વાત વફાદારીની છે. અને જો આ ફિલ્મ નથી જોઈ તો શું જોયું ? વિક્રમે ચિંથનના રોલમાં જે જીવ રેડ્યો તેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ભવિષ્યમાં તેની રિમેક બને છે અને બની પણ ખરી તો તેમાં ચિંથનનો રોલ પ્લે કરનારા હાસ્યાસ્પદ ઠર્યા, કારણ કે પાત્રનો પોતાનો એક દોરી સંચાર હોય છે. વિક્રમના હાથમાં એ પાત્રની દોરી હતી. જેનાથી તે નચાવતો હતો. અન્ય અભિનેતાઓ ફક્ત નકલ કરી શક્યા. વિક્રમે અસલ કરી બતાવ્યું.

સમાચાર છે કે રણવીર સિંહ અન્નીયનની રિમેકમાં આવવાનો છે. દિગ્દર્શક પણ શંકર જ છે. સીન થોડા ફેરવ્યા હશે બાકી કથા તો એ જ હશે. પૈસા કમાવવાના હેતુથી બનાવાવમાં આવી છે? નહીં તો વિક્રમે જે ફિલ્મમાં અભિનય કર્યો હોય તેની રિમેક બનાવવાનું દુ:સાહસ ન કરવું જોઈએ. આખા ભારતે અપરિચિત નામે ફિલ્મ જોઈ લીધી છે. સોશિયલ મીડિયામાં લોકોની એક સરખી જ કોમેન્ટ છે કે, ‘અમે જોઈ લીધી, ફરી બનાવીને તમારે શું કરવું છે?’

રણવીર સિંહ અભિનય કરી શકશે પણ મૂર્ખ ઠરશે. એ બસ નકલ કરશે. અસલ તો વિક્રમે કરી છે. ત્રણ પાત્રો જીવંત કર્યા છે. કોઈ પાત્ર એક અન્ય પાત્રની સાથે મેચ નથી થતું. ક્લાઈમેક્સના ફાઈટિંગ સીનમાં વિક્રમ જે રીતે બે અલગ અલગ પાત્રોને જીવંત કરે છે તેવું રણવીર સિંહ કેવી રીતે કરશે? કલ્પના કરી જુઓ.

અભિષેક બચ્ચનની રાવણ કોઈને ન ગમી. અભિષેકના કારણે ન ગમી! તમિલમાં રાવણ વિક્રમ બન્યો છે. ડરવું હોય તો વિક્રમની રાવણ જુઓ. કોઈ દિગ્દર્શકની ફિલ્મમાં વિક્રમ હોય છે અર્થાત દિગ્દર્શકને અભિનય વિભાગમાં નથી જોવાનું હતું. એ વિભાગ વિક્રમ બખૂબી સંભાળી લે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments