Homeવિશેષવિરાંગનાઓનો વારસો ભાગ-3: એ વિરાંગના જેણે ઝાંસીની રાણી લક્ષ્મી બાઈને પુનર્જન્મ આપ્યો

વિરાંગનાઓનો વારસો ભાગ-3: એ વિરાંગના જેણે ઝાંસીની રાણી લક્ષ્મી બાઈને પુનર્જન્મ આપ્યો

વિવેકઃ ઝલકારીએ પોતાનો શૃંગાર કર્યો, ચળકતી સાડી પહેરી, ઝાંસીની રાણી જેમ પહેરતી બરાબર એ જ રીતે. ગળામાં  હાર તો ન હતો પણ કાંચના ટુકડાઓવાળો કંઠલો હતો જેને જે નવલખા હારને ઝાંખો પાડે તેમ હતો. સૂર્ય આકાશ પર કેસરિયો ઢોળે તે પહેલા જ તે હાથ મોં ધોઈને તૈયાર થઈ ગઈ. પલક ઝબકતા તો ઘોડા પર બેસી ગઈ અને તેની મોજડી ઘોડાને જરાક અડકી અને ઘોડો સમજી ગયો કે આજે કઈ દિશામાં ગતિ પકડવાની છે.

પવનવેગી ઘોડો દોડવા લાગ્યો. ના નગરચર્યા માટે નહીં, પોતાના અંગત કામ માટે પણ નહીં, ઘોડો દોડવા લાગ્યો મોતના મુખમાં ધકેલાવવા  માટે. એટલે કે અંગ્રેજોની છાવણી તરફ. સાથે ન તો અંગરક્ષક છે, ન તો હાથમાં તલવાર, પીઠ પર ન તો ઢાલ છે કે ન તો છાતીએ વળગ્યું બખ્તર. હથિયારના નામે છે એક નાનકડી કટાર અને તેનાથી અનેક ગણી બહાદુરીથી છલોછલ હ્રદય.

થોડીવારમાં તો રસ્તો ચીરતો ઘોડો પહોંચી ગયો અંગ્રેજોની છાવણી નજીક, થોડે દૂરથી જ ધૂળની ડમરી ઉડતી જોઈને અંગ્રેજી પહેરેદારો સાબદા  થઈ ગયા. ઈશારો કર્યો રોકાવવા  માટે. ટોકવામાં આવી, જવાબમાં ઝલકારીએ કહ્યું, “હમ તુમ્હારે જડૈલ કે પાસ જાઉતા હૈ ”. જો કોઈ ઝાંસીવાસીએ આ વાક્ય સાંભળ્યું હોત તો પેટ પકડીને હસવાથી ખુદને રોકી ન શક્યો હોત પણ અહીં તો ઝાંસીની ભાષાથી અજાણ ગોરા અંગ્રેજ હતા.

એક ગોરાએ હિમ્મત ભેગી કરીને પૂછ્યું, “કૌન હો ટૂમ ?”, જવાબ મળ્યો, “રાણી….ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ”, ઝલકારીએ જે વટ્ટ સાથે જવાબ આપ્યો તે જોઈને કદાચ ખુદ લક્ષ્મીબાઈ પણ અચંબિત થઈ જાત જો સામે હોત તો. જેવું નામ પડ્યું ઝાંસી કી રાની લક્ષ્મી બાઈ..ગોરાઓ સાબદા થઈ ગયા, તરત જ ઝલકારીને ઘેરી લેવામાં આવી, એકબીજા સાથે ચર્ચા કરી ઝલકારીને તરત જ જનરલ રોઝ પાસે વિના વિલંબ લઈ જવાનું નક્કી થયું. પાંચ છ અંગ્રેજ સિપાહીઓ અને વચ્ચે ઝલકારી. ચાલતા ચાલતા પહોંચ્યા છાવણી તરફ.

આ તરફ આખા શહેરમાં  હલ્લો મચી ગયો કે, ઝાંસીની રાણી પકડાઈ ગઈ…લક્ષ્મીબાઈ પકડાઈ ગઈ. ગોરા સિપાહીઓ તો એટલા ખુશ થયા કે ભાન ભૂલીને ઝુમી ઉઠ્યા. તેમણે માની લીધું કે જે સિંહણનો શિકાર કરવા તેમણે આકાશ પાતાળ એક કરવાના હતા તે સામે ચાલીને શિકારીની બંદૂક સામે આવીને ઉભી રહી ગઈ છે. પણ ઝલકારી મંદ મંદ મલકાતી હતી. જો કે તેની આ અદા પણ આસપાસના ગોરાઓને તે લક્ષ્મીબાઈ હોવાનો અહેસાસ કરાવતી હતી. પણ તેમને ક્યાં ખબર હતી કે આ સિંહણ તો છે જ પણ એ નહીં જેનો શિકાર કરવા આપણે ઉંધે માથે થયા છીએ.  ઝલકારીને વિશ્વાસ હતો કે મારી તપાસ અને ખરાઈ કરવામાં જેટલો સમય વધુ લેવાશે મારી મા, મારી દેવી મણિકર્ણિકા, મારી સખી લક્ષ્મી ઝાંસીથી એટલી જ દૂર નિકળી જશે, બચી જશે અને સાચે એવું જ થયું. આમ જીવ દઈને ઝલકારીએ લક્ષ્મીબાઈને પુનર્જન્મ આપ્યો.

મામૂલી મદદમાં મજબૂરીનો લાભ લેવાની વૃત્તિ આજે આપણને રોજેરોજ અનુભવાય છે ત્યારે સ્વાર્થની સીમાઓ વટાવી દેનારા આજના યુગમાં આવો જાણીએ વફાદારી અને વતનપ્રેમ માટે ન્યોચ્છાવર થનાર મહાન વિરાંગના ઝલકારી દેવીની ગાથા.

વિરાંગના ઝલકારી દેવી

28 વર્ષની છોકરી, મસ્તમૌલા. ઈરાદાઓ મક્કમ છે. જે કામ મળ્યું તે કરી લીધું. દોડતો ઘોડો દેખાયો, સાથે દોડીને સવાર થઈ ગઈ. રાણીએ બોલાવી તો ખંતથી કામ કર્યુ. વેશ કાઢવાનો આવ્યો તો અદ્દલ રાણી જેવું સ્વરૂપ લઈ લીધું. રાણી સાથે લડાઈઓ લડી, રાણી સમજી ઘેરી લેવામાં આવી તો કેટલાયના માથા વાઢી નાંખ્યા અને છેલ્લે માથુ આપી દીધું. માતૃભૂમિ માટે, મિત્રતા માટે…..આવી હતી ઝલકારી દેવી. ઝલકારી દેવીની વીરતાને આજેય ઝાંસીના ઉન્નાવ દરવાજા નજીકના ભોજલા વિસ્તારમાં રહેતા લોકો પાસેથી સાંભળો તો તમારા રૂંવાડા ઉભા થઈ જાય.

22 નવેમ્બર 1830ના રોજ ઝાંસીના ભોજલા ગામમાં એક નીચી જ્ઞાતિના પરિવારમાં જન્મી હતી ઝલકારી. ઈતિહાસકારો કહે છે કે તેમના પિતા સૈનિક હતા. તો કેટલાક એમ પણ કહે છે કે તેમનો પરિવાર શિકારી હતો. એટલે ઝલકારીને બાળપણમાં ઢીંગલીઓ નહીં પણ રમકડા તરીકે હથિયારો જ મળ્યા હતા. હવે તલવાર સાથે બાળપણથી મિત્રતા હતી એટલે કલમ થોડી દૂર રહી, અભ્યાસ ન થઈ શક્યો પણ બહાદુરીના બીજ નાનપણથી જ રોપાઈ ગયા. દુશ્મનનો સામનો કેવી રીતે કરવો પછી એ પ્રાણી હોય કે વિરોધી સેના, કેવી રીતે લડવું અને સાથે ખુદને સુરક્ષિત કેમ રાખી શકાય આ બધા પાઠ ઝલકારી શીખી રહી હતી.

ઝાંસીના વડીલો જણાવે છે કે તેમની પૂર્વજ ઝલકારીએ એક વખત ડાકૂઓને ધૂળ ચટાડી હતી. જેટલી ઝડપથી આ ડાકૂઓએ હુમલો કર્યો એટલી જ ઝડપથી તેઓને ભાગવું પડ્યુ કારણ કે સામે ઝલકારીના નૈતૃત્વમાં ગામલોકો હતા. ઝલકારી સાથે મળીને ગામલોકોએ ડાકૂઓને એવા ભગાડ્યા કે બીજી વખત હુમલો કરતા પહેલા સો વાર વિચાર કરે. ગામલોકોની પ્રિય બની ગયેલી ઝલકારીને તેના માટે યોગ્ય વર શોધીને પરણાવી દેવામાં આવી. વર કોણ હતો ? તો નામ હતુ એનું પૂરણસિંહ અને તે પણ ઝાંસીની સેનાનો તોપચી.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે તેમની મુલાકાત અંગે બે અલગ અલગ કથાઓ જાણવા મળે છે. જેમાં લેખક રાજકુમાર ઈતિહાસકાર જણાવે છે કે ઝલારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના કિલ્લાના ઉન્નાવ દરવાજા પાસે રહેતી હતી. જ્યાં ઝલકારીને પોતાની પૂર્વજ માનનાર લોકો આજે પણ મળે છે. તેમની લોકકથા અને કવિતાઓમાં ઝલકારીના કિસ્સાઓ આજે પણ શૂરાતન ચડાવે છે. પતિ અને તોપચી પૂરણસિંહ સાથે એક પ્રસંગમાં ઝલકારી દેવીએ હાજરી આપી અને એ વખતે રાણી લક્ષ્મીબાઈની નજર તેના પર અટકી હતી. ત્યારપછી બંનેની મિત્રતા અંગત મહેલથી યુદ્ધ મેદાન સુધી રહી. તો બીજી કથા પ્રમાણે સમાજશાસ્ત્રી બદ્રી નારાયણ કહે છે કે ઝલકારી લક્ષ્મીબાઈની દાસીઓમાંથી એક હતી. અને તેની રાણી લક્ષ્મીબાઈ સાથે ગાઢ મિત્રતા બંધાઈ હતી.

રાણી લક્ષ્મીબાઈના સંઘર્ષથી પ્રભાવિત થઈ ઝલકારી અને બંધાઈ ગયો અતૂટ નાતો

ઝલકારી બાઈ અને રાણી લક્ષ્મીબાઈના અતૂટ નાતાને સમજતા  પહેલા તે  કેવી રીતે બંધાયો તેની પૃષ્ઠભૂમમિ જાણીએ. કાશીમાં જન્મેલી મનુ એટલે કે મણિકર્ણિકા એટલે કે ઝાંસીની રાણી આપણી લક્ષ્મીબાઈ. 1842માં 14 વર્ષની ઉંમરે જ મનુ ઝાંસીના રાજા ગંગાધર  રાવ નિવાલકર સાથે લગ્ન કરીને કાશીથી ઝાંસી આવી ગઈ હતી તેવું  ઈતિહાસવીદો જણાવે છે. વિવાહ થયા બાદ તેમને લક્ષ્મીબાઈ નામ અપાયું હતુ. 1851માં લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનામાં જ તેનું મૃત્યું થયું. 1853માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય લથડ્યું, તેમની પાસે હવે વધુ દિવસો ન હોવાનું પામી ગયા બાદ તેમણે એક પુત્ર દત્તક લીધો અને તેનું નામ રખાયું દામોદર રાવ. આ જાણવું એટલા માટે જરૂરી છે કે ઝલકારી દેવીમાં એક શૂરવીર યૌદ્ધા જોનાર લક્ષ્મીબાઈએ કેવો સંઘર્ષ એ સમયે કર્યો હતો જે આજની નારીઓ આત્મસાત કરી લે તો અત્યાચારને ઉગતા ડામી શકાય.

સમાજશાસ્ત્રી બદ્રી નારાયણ એ લક્ષ્મીબાઈના સમકાલિન દૌરની વાત કરતા લખે છે કે તે સમયે પણ સમાજમાં જાત-પાત, ઉંચ-નીચનો ભેદભાવ પ્રવર્તતો હતો. પણ રાણી લક્ષ્મીબાઈએ પોતાના શાસનમાં દરમિયાન સમાનતાની ક્રાંતિ લાવી દીધી. તેમનું ચરિત્ર ઘણું જનોન્મુખ હતું. તેમની ઈચ્છા હતી કે તમામ જાતિઓ એક થાય અને ગોરા અંગ્રેજો સામે મોરચો માંડે. વૃદાંવનલાલ વર્માએ લખેલા ઉપાન્યાસમાં લક્ષ્મીબાઈનો એક સંવાદ છે જેમાં લક્ષ્મીબાઈ કહે છે કે

કેટલું સારુ હોત જો આપણા દેશમાં ઉંચ-નીચના ભેદ ન હોત, હું ઈચ્છું છું કે તમામ જાતિઓના પ્રિતિનિધી સ્વરૂપ લોકો તોપો અને બંધૂક ચલાવતા શીખી જાય.

આમ, ઝાંસીની રાણીના કિલ્લામાં તમામ લોકો સમાન હતા. ત્યા વતનપ્રેમ અને વીરતા કોઈ જાતિ કે જ્ઞાતિ પૂરતી સિમિત નહોતી રખાઈ. જે હાથ હથિયાર ઉપાડે તે યૌદ્ધા, જે હાથ પુષ્પ-ચંદન-કંકૂ ઉપાડે તે પૂજારી- આ નીતિ શાસનમાં ચાલતી હતી. લક્ષ્મીબાઈની વિચારધારા સામંતી વિચારધારાથી આ રીતે જ તો અલગ પડતી  હતી. વૃંદાવનલાલ આગળ  લખે છે કે ઝાંસીના કિલ્લાના દ્વાર તમામ લોકો માટે ખુલ્લા હતા. કિલ્લાના ઉપરના ભાગે જ્યાં મહાદેવ અને ગણેશજીનું મંદિર છે જેને શંકરકિલો કહેવાતો ત્યાં પણ કોઈપણ વ્યક્તિ પછી ભલે તે ચમાર, બસોર કે દેવીપૂજક હોય તે જઈ શકતો.

ઝલકારી દેવીએ સાબિત કર્યું કે કોઈપણ જ્ઞાતિ-જાતિનો હોય યૌદ્ધા તો યૌદ્ધા હોય છે

લક્ષ્મીબાઈની પરિવર્તન પ્રેરક વિચારધારાથી ઝલકારી ખૂબ પ્રભાવિત હતી. ઉપન્યાસકાર મોહનદાસ નૈમિષરાય આ બાબતે લખે છે કે ઝલકારી બાઈનું ચરિત્ર ધીમે ધીમે સશક્ત થવા લાગ્યું. બાળપણમાં શૂરવીરતાના બીજ તો રાપાયેલા જ હતા પણ એ તપતા હ્રદયની અગનજ્વાળાઓ ઝલકારીના મુખ પર પણ દેખાવા લાગી હતી. તે માતૃભૂમિ ઝાંસી વિશે વિચારવા લાગી હતી. ઝાંસીવાસીઓ વિશે વિચારવા લાગી હતી. તેની સામે ઝાંસી રાજ્યની જે પરિસ્થિતી હતી, લક્ષ્મીબાઈનો જે સંઘર્ષ હતો તે ઝનૂન ચડાવવા માટે પૂરતો હતો. હવે તેણે નક્કી કરી લીધું હતું કે લક્ષ્મીબાઈનો પડછાયો બનીને રહેવું છે. ઝલકારીએ નક્કીં કર્યું કે હું ઝાંસી અને લક્ષ્મીબાઈના એ તમામ રહસ્યો હ્રદયના પટારે તાળુ મારીને એ રીતે બંધ રાખીશ કે જ્યારે હું રણમેદાનમાં પડી જાઉં, મારા શ્વાસ અનંતમાં  ભળી જાય, મારું શરીર આ માતૃભૂમિની માટીએ રગદોડાય અને એ રહસ્યો પણ અખંડિત રહે અને મારી સાથે આ ધરસીમાં એકરસ થઈ જાય.

અઘરું હતું, યુવાવયે પોતિકા અરમાનોને જાતે શૂડીએ ચડાવવા અઘરું હતું. અઘરું હતું એ સ્વીકારવું કે હવે મરવાનું છે. લડીને મરવાનું છે. પણ મન મક્કમ હતું, ઈરાદાઓ ધારદાર હતા. યા હોમ કરવાનું હતું. લક્ષ્ય હતું અત્યાચારી અંગ્રેજોને તેમની ભાષામાં જ જવાબ આપવાનું, ધ્યેય હતો મા ભોમને કાજ પોતાના રક્તની એક એક બૂંદને સાર્થક કરવાનો અને તેનાથી બમણું રક્ત દુશ્મનોનું વહાવવાનો. જેના માટે જરૂર હતી એક સેનાની.

તૈયાર કરવાની હતી મહિલા સેના. જે હાથને કમજોર સમજવામાં આવતા હતા તે હાથ હવે હથિયાર ઉઠાવવાના હતા. જાતિ, જ્ઞાતિ, હક્ક, ફરજ બધુ ભૂંસાઈ જવાનું હતું, તૈયાર થવાની હતી એક એવી ફૌજ જે ગોરા અંગ્રેજોને ભારે પડવાની હતી. મેદાને ઉતરવાની હતી એ નારીઓ જે કર્મ અને ધર્મથી ક્ષત્રિયાણીઓ હતી.  

આગળની કથાના એક એક શબ્દે જોમની મશાળ ઝળકશે. ખાસ કરીને એ યુવતીઓ જરૂર વાંચે જેઓ વિદ્યાર્થી, નોકરિયાત કે સાહસિક છે. શાળા-કોલેજમાં, ઓફિસ કે દુકાનમાં કે પછી સહકર્મીઓની વચ્ચે રહીને ફેસ કરવા પડતા ચેલેન્જિસને ચપટીમાં ઉકેલવા માટેની રીત ઝલકારી દેવીનું ચારિત્ર્ય શીખવી જશે. એ તમામ લોકો વાંચે કે જેઓ પ્રેમ અને પરિણય માટે જાતિ અને જ્ઞાતિની સંકુચિત માનસિકતામાં બંધાઈ ગયા છે અથવા તો આ માનસિકતાનો ભોગ બન્યા છે.

(ક્રમશઃ)

આપના પ્રતિભાવો માટે [email protected]

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments