Homeતાપણુંમોદીની ‘ગુજરાત વાપસી’ કરાવવા માટે મમતા બેનર્જી અને પ્રશાંત કિશોરની ત્રણ કલાકની...

મોદીની ‘ગુજરાત વાપસી’ કરાવવા માટે મમતા બેનર્જી અને પ્રશાંત કિશોરની ત્રણ કલાકની મીટીંગ

Team Chabuk-Gujarat Desk: આ વર્ષની કાંટે કી ટક્કર જેવી ચૂંટણી પશ્ચિમ બંગાળની હતી. ભાજપ અને તૃણમૂલ વચ્ચે તણખા ઝરવાની શરૂઆત તો લોકસભા ચૂંટણી વખતથી થઈ ગઈ હતી. ભાજપે એક વર્ષ પહેલાથી તમામ સોગઠા ગોઠવી દીધા હતાં અને તૃણમૂલના ‘વજીર’ નેતાઓને પોતાની પલટનમાં લાવી હતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ કોઈ નેતાઓ કામમાં ન આવ્યા. ભાજપનો પરાજય થઈ ગયો હતો. વિપક્ષ તરીકે ભલે મોટી પાર્ટી ભાજપ બની હોય પણ મમતાને હરાવવા માટે લગાવેલું એડીચોટીનું જોર કામ નહોતું આવ્યું.

તૃણમૂલ કોંગ્રેસ અને મમતાને મળેલી જીત બાદ પાર્ટી બે વેત અદ્ધર ચાલી રહી છે, કારણ કે પ્રદેશમાં ભાજપે જીતવા માટે બધુ જોર લગાવી દીધું હતું ને છતાં ઉંધેકાંત પછડાટ મળી હતી. મમતાની જીતમાં મોટો ફાળો ભાજપના એક સમયના પ્રહરી રહેલા પ્રશાંત કિશોરનો પણ રહ્યો. જેમણે કેજરીવાલને દિલ્હી બાદ મમતાને પશ્ચિમ બંગાળ અપાવ્યું. તેમણે તો પરિણામ પહેલા જ ડંકાની ચોટ પર કહી દીધું હતું કે, ‘હું હારું તો મારી કામગીરી છોડી દઉં.’

હવે પ્રશાંત અને મમતા રાષ્ટ્રીય રાજનીતિમાં આવવાની તૈયારી કરી રહ્યા હોવાના વાવડ મળ્યા છે. બંને વચ્ચે ત્રણ કલાકની મીટીંગ થઈ છે. આ મીટીંગમાં જિલ્લા સ્તરમાં મોટું પરિવર્તન થયું હોવાની જાણકારી મળી રહી છે. ટીએમસીમાં એક એક વ્યક્તિ એક એક પદની નીતિને લાગુ કરવા માટે જ જિલ્લા સ્તરથી ટીએમસીના સંગઠનમાં ફેરબદલ કરવામાં આવશે. એવા નેતાઓને બદલવામાં આવશે જેમની પાસે એક કરતા વધારે પદની જવાબદારી હોય. જેથી તેમની ભૂમિકા પણ ઓછી રહે અને કામગીરીમાં ધ્યાન પણ રહે.

આ તો વાત થઈ જિલ્લા સ્તરના સંગઠનની પણ રાષ્ટ્રીય રાજનીતિમાં પગપેસારો કરવા માટે પણ મમતા અને પ્રશાંતની વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ જ મમતા બેનર્જી રાષ્ટ્રીય રાજનીતિની ભૂમિકા નિભાવવા માટે તૈયાર માનવામાં આવી રહ્યા હતા.

ટીએમસી તરફથી એક બ્લૂપ્રિન્ટ બનાવાવમાં આવી રહી છે. જે મહિનાના અંત સુધીમાં અથવા તો ઓગસ્ટમાં સાર્વજનિક થઈ જશે. સુત્રોના જણાવ્યા અનુસાર તેનો આરંભ ત્રિપુરાથી કરવામાં આવશે. કયા રાજ્યમાં ટીએમસીની આગળ વધવાની સંભાવના છે? કઈ રીતે આગળ વધવાનું છે? એ રાજ્યમાં ટીએમસીની નીતિનું સ્વરૂપ શું હશે? તેના પર બેઉં બડીયાઓ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી.

મહત્વનું છે કે અવાર નવાર મોદી અને મમતા આમને સામને આવી જાય છે. એવામાં બંગાળની ચૂંટણી જીતે, મમતામાં એ વાતના વિશ્વાસનું સંપાદન કર્યું છે કે તે નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં જોરદાર ટક્કર આપી શકે છે. જ્યાં કોંગ્રેસ પાર્ટી સહિતના અન્ય સૂરમાઓ ઢેર થઈ ચૂક્યા છે ત્યાં મમતા હવે દાવ રમવા માગે છે. આ વાતની અટકળો તો મમતાએ બંગાળ ફતેહ કર્યું ત્યારથી લગાવવામાં આવી રહી હતી.

સેનિટાઈઝેશનના કારણે શુક્રવારનાં રોજ બંગાળમાં સચિવાલય બંધ રાખવામાં આવ્યું હતું. એવામાં મમતા બેનર્જી વિધાનસભામાં પણ નહોતી ગયા. મમતાએ પોતાના નિવાસસ્થાન પર ત્રણ કલાક સુધી પ્રશાંત કિશોરની સાથે મેરેથોન ચર્ચા કરી હતી. ત્યારે આવનારા સમયમાં મમતાની રાષ્ટ્રીય રાજનીતિનું ભવિષ્ય કેવું રહે છે, અને રહે છે પણ કે નહીં તેના પર નજર સૌની નજર રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments