Homeવિશેષશું ફેર પડી જવાનો- રૂપલ મહેતા

શું ફેર પડી જવાનો- રૂપલ મહેતા

રૂપલ મહેતાઃ કોરોના મહામારી સામે લડવા બધાને માસ્ક પહેરવાનું, સોશિયલ-ડિસ્ટન્સ રાખવાનું, અને ઘરની બહાર નહીં નીકળવાનું કહેલ. લોકોના ભલા માટે આ નિયંત્રણો હતા છતાં લોકો પાસેથી આ બાબતે દંડ વસુલ કરવો પડતો! ઘણા લોકો એવી દલીલ કરતા કે ‘હું એકલો/એકલી આ નિયંત્રણોનું પાલન કરીશ તો શું ફેર પડી જવાનો?’

ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે કે હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવે. ભારતમાં અકસ્માતોમાં સૌથી વધુ યુવા લોકો મૃત્યુ પામે છે, જાણવા છતાં! આ પ્રશ્ન રીપીટ થતો રહે છે.

આપણે બધા ખરીદી કરવા જઈએ ત્યારે કાપડની થેલી લઈને નથી જતા, પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખુબ જ નુકસાનકારક છે, આપણે સૌ જાણીએ છીએ, છતાં આપણે તેના વપરાશ પર કાપ મૂકતાં નથી! દરેક વ્યક્તિ એવું વિચારે છે કે ‘હું એકલો/એકલી કાપડની થેલી લઈને જઈશ, તો શું ફેર પડી જવાનો?’ પ્લાસ્ટિક ઉપયોગ બાબતે આપણને વારંવાર ચેતવણી આપવા છતાં આપણે ધ્યાને લેતા નથી. આપણે એક નાની એવી શરૂઆત પણ કરતા નથી.

tatva-advertisement.

આપણે વિકાસની આંધળી દોડમાં વ્રુક્ષોનો, જંગલોનો સોથ વાળી નાખ્યો છે, વૃક્ષો વિના આપણું પર્યાવરણ અને વાતાવરણ એકદમ સુનું સુનું થઈ જશે, પક્ષીઓનો કલરવ અટકી જશે, પશુઓનો વિસામો ખોવાય જશે, જંગલમાં વસતા જીવોનો આશરો છીનવાય જશે, કેટલાયે જીવોનું અસ્તિતવ સમાપ્ત થઈ ગયું છે, અને કેટલાયનું થઈ જશે, પણ આપણે વળી પાછા એ જ વિચાર સાથે આગળ વધીએ છીએ! ક્યા? એમ…. ‘હું એકલો/એકલી વૃક્ષ ઉછેરીશ તો શું થઈ જવાનું? કે પછી મારા એકલાથી જંગલોનાં રક્ષણ અને સંવર્ધનમાં શું ફેર પડી જવાનો?’

સ્વચ્છતા બાબતે પણ આપણા સૌના વિચારો આવા જ છે! આપણે આપણું ઘર એકદમ સાફ-સુથરું રાખીએ છીએ, અને એ ઘર સ્વચ્છ રહે એવા દરેક પ્રયાસો કરીએ છીએ, પણ આપણે શેરી, મહોલ્લો, ગામ,કે શહેર બાબતે આવી ચોકસાઈ નથી રાખતા. કેવી ગંદકીમાં આપણે રહીએ છીએ? ક્યારેક આજુબાજુમાં નજર કરજો! જ્યાં-ત્યાં થૂંકવું, ગાડી કે બસમાંથી કચરો બહાર ફેંકવો, ઘરનો કચરો શેરીમાં ફેંકવો, આપણી શેરીઓ,ગામો કે શહેરો રેપર્સ અને પેપર્સથી સજાવેલી રહે છે, બહાર ફરવા જઈએ ત્યારે સારા વોશ-રૂમ કે ટોઇલેટ ગૂગલ પણ સર્ચ કરવાથી પણ મળતા નથી! અરે આપણે તો જે બસમાં પ્રવાસ કરીએ છીએ, એ બસોને પણ બેસીએ એટલી વારમાં ગંદી કરી દેતાં હોઈએ છીએ. વળી એજ પ્રશ્ન, ‘હું એક કચરો નહીં ફેંકુ તો શું ફેર પડી જવાનો?’ જ્યાં ફરવા જઈએ છીએ, એ સ્થળની સુંદરતાને પણ આપણે કદરૂપી કરી દેતા હોઈએ છીએ. જ્યાં જ્યાં આપણે, ત્યાં ત્યાં કચરો! હજી આજે પણ આપણને ‘ઘરમાં સૌચાલય બનાવવા માટે સમજાવવા પડે છે!’ વળી એજ પ્રશ્ન, ‘ મારા એકના ઘરમાં શૌચાલય બનાવવાથી શું ફેર પડી જવાનો?’

tatva-advertisement.

હવે વાત કરીએ મનની સ્વચ્છતાની, મનને સ્વચ્છ રાખવા મૂલ્યોનું પાલન કરવું પડે છે, સત્ય,પ્રામાણિકતા, માનવતા, અહિંસા, નૈતિકતા વગેરે મૂલ્યોનું આચરણ કરવું પડે છે. ભ્રષ્ટાચાર સામે લડવા આ મૂલ્યો જ કામમાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ, કોઈપણ કામ કરાવવા કામની અગત્યતા અને જરૂરિયાત મુજબ જુદા જુદા ટેબલ પર સોરી નીચે, કોઈપણ સ્વરૂપે લાંચ કે રિશ્વત મૂકવી પડે છે! અને આપણે મૂકી પણ દઈએ છીએ! બધાને બધા કામ ગમે તે રીતે કરાવી જ લેવા છે! આપણા દેશમાં વગ અને લાગવગ બે અમોઘ શસ્ત્રો છે, જેના થકી ગમે તેવા અઘરા કામો પાર પડી જતાં હોય છે! કોઈએક ઓફિસમાં કામ કરાવવા જઈએ એટલે નીચેથી લઈને ઉપર સુધી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ આપણી પાસેથી ‘પૈસા-વસુલ’ કરે છે. આપણે જ્યાં જ્યાં કામ માટે જઈએ છીએ, ભ્રષ્ટાચારને સાથે લઈને જઈએ છીએ. ધર્મ,શિક્ષણ અને આરોગ્ય જેવા અગત્યના ક્ષેત્રો પણ ભ્રષ્ટાચારની અડફેટે ચડી ગયા છે! અમુક લોકો છે, પ્રામાણિક અને નૈતિક, પણ ત્યાં પણ એ જ પ્રશ્ન છે, ‘હું એકલો/એકલી સાચું બોલીશ કે પ્રામાણિક રહીશ, તો શું ફેર પડી જવાનો?’

હવે વાત કરીએ સામજિક દુષણોની, દહેજ, ભ્રૂણહત્યા, બાળ-લગ્નો, જ્ઞાતિવાદ, કોમવાદ,અસ્પૃશ્યતા,ગરીબી, નીરક્ષરતા વગેરે વગેરે….. આપણો સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આ દુષણો સમાજને નડી રહ્યા છે! પણ આપણે તેનાથી દુર નથી થતા કે તેને આપણાથી દુર થવા દેતા નથી! આપણે સૌ નવા ભારતની વાતો કરી રહ્યા છીએ, પણ નવા ભારતની અંદર એક જુનવાણી ભારત હજી ત્યાં ને ત્યાં જ ઉભું રહી ગયું છે! આ દુષણો દુર કરીશું તો જ આપણે નવું ભારત રચી શકીશું, સૌને ખબર છે, પણ વળી એ જ પ્રશ્ન, ‘ હું એકલો/એકલી આ દુષણો સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’ દીકરીઓ પેટમાં જ મરતી રહે છે, દહેજ આજે પણ ચલણમાં છે, બાળ-લગ્નો તો આપણે ભૂલ્યા જ નથી, જ્ઞાતિવાદ આપણા લોહીમાં ભળી ગયો છે, અસ્પૃશ્યતા હજી આજે પણ ગામ કે શહેર બહાર થઈ નથી! ગરીબીનાં આંકડા વધતાં જ જાય છે, હજી લોકો પોતાના સંતાનોને શિક્ષણ આપવામાં સક્ષમ નથી બની શક્યા! આપણે મોટો મોટી ચર્ચાઓ કરીએ છીએ, સેમિનારોમાં સારું સારું સાંભળીએ છીએ, લાંબા લાંબા નિબંધો લખીએ છીએ, વકતૃત્વ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ આ વિષયો પર સુંદર બોલે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીએ છીએ,  પણ વળી એ જ પ્રશ્ન, ‘ હું એકલો/એકલી આ દુષણો સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’

tatva-advertisement.

એ જ રીતે ધર્મને આપણે સંપ્રદાયોમાં વહેંચી લીધો છે, શિક્ષણને સગવડો સાથે જોડતા રહીએ છીએ, શિક્ષણનાં માધ્યમ તરીકે માતૃભાષાને બદલે અન્ય ભાષાને મહત્વ આપતા રહીએ છીએ, ડોકટર કે એન્જિનિયર સિવાય કોઈ અન્ય વિકલ્પો છે જે નહીં, તેવું માનતા રહીએ છીએ, ધર્મ માનવતા કરતા પણ મહાન છે એ પૂર્વગ્રહને છોડતાં નથી, વગેરે વગેરે… કોઈપણ સમસ્યાના ઉકેલ વિચારવાને બદલે આપણે આ જ વિચારતા રહીએ છીએ કે, ‘ હું એકલો/એકલી આ બધા સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’

હવે થોડા ઉદાહરણો જોઈએ, અને પછી સમજીએ કે શું ફેર પડી જવાનો?

ગાંધીજી, સરદારપટેલ, રાણી લક્ષ્મીબાઈ કે રાણાપ્રતાપે એવું વિચાર્યું હોત તો, કે ‘હું એકલો/એકલી સ્વતંત્રતાની લડાઈમાં જોડાઈશ તો શું ફેર પડી જવાનો?’ કોઈ વૈજ્ઞાનિકે એવું વિચાર્યું હોત કે ‘હું એકલો/એકલી સંશોધનમાં જોડાઈશ તો શું ફેર પડી જવાનો?’

જેટલા લોકોએ ઉપર જણાવેલી બાબતોમાં પહેલ કરીને આપણા માટે કઈ ને કઈ સારું કર્યું છે, એ બધા જો આ પ્રશ્ન સાથે બંધાઈ ગયા હોત તો? 

બીરુબાલારાધા એ એકલે હાથે જંગલમાં થતાં શિકાર સામે લડવાનું શરૂ કર્યું, શાંતિદેવીએ આદિવાસી જાતિની સ્ત્રીઓ અને બાળકો માટે કામ કર્યું, કેટલાયે લોકો સમાજ, પર્યાવરણ અને દેશના વિકાસ માટે આ પ્રશ્ને એક બાજુ મૂકી કામ શરૂ કરી દેતા હોય છે. આ તો ખુબ જ થોડા ઉદાહરણો છે, જેને પ્રેરિત થવું છે, તેઓ એક નાની ઘટના થકી પણ પ્રેરિત થઈ જતા હોય છે! જે લોકોએ દુનિયાને બદલાવવી છે, તેઓ કદી ખુદને આ પ્રશ્ન પૂછતાં નથી હોતા!

tatva-advertisement.

આપણે પણ નક્કી કરી લઈએ કે, હું પર્યાવરણને સ્વચ્છ રાખીશ, ભ્રષ્ટાચારને દુર કરવાનાં પ્રયાસો કરીશ, ભ્રુણ-હત્યા નહીં કરું, સ્વચ્છતા રાખીશ, સામાજિક દુષણો સામે લડાઈ ચાલુ રાખીશ, માનવતાને જ સૌથી મોટો ધર્મ માનીશ, મૂલ્યો સાથે જીવીશ, વ્રુક્ષો ઉછેરીશ તો આપણે પણ આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકીશું.

ફેર પડતો જ હોય છે, કોઈકે તો શરૂઆત કરવી જ પડતી હોય છે. શરૂઆત અઘરી હોય છે, પણ અશક્ય નથી હોતી! જેમણે જેમણે શરૂઆત કરી છે, એક નવો રસ્તો બનાવ્યો છે, જ્યાંથી થઈ માનવ જાત નવી ઉંચાઈ સુધી પહોંચી શકી છે. આપણી વિકાસ-ગાથા એ સંઘર્ષોની જ ગાથા છે! દુનિયા લડનારને જ યાદ રાખતી હોય છે. હવે કહો, “ શું ફેર પડી જવાનો.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments