Team Chabuk-Literature Desk: કાફ્કાની એક વાર્તા છે. અંગ્રેજીમાં શીર્ષક છે Before the Law. જર્મન ભાષાનું શીર્ષક છે Vor Dm Gesetz. એક વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ કરવો હોય છે પણ બહાર બેઠેલો ચોકીદાર તેને પ્રવેશ કરવા નથી દેતો. એ તેની સામે કેટલીક શાબ્દિક અડચણો નાખતો રહે છે. હું ખૂબ જ કડક છું. તું અહીંથી મને દગો આપી ચાલ્યો જઈશ તોપણ અન્ય ચોકીદારો તને પકડી લેશે, કારણ કે એ તો મારા કરતા પણ વધારે તાકતવર છે. સતત વાર્તાલાપ ચાલતો રહે છે. દિવસો ના દિવસો અને વર્ષોનાં વર્ષ વિતતા રહે છે.
આશ્ચર્યની વાત એ છે કે દરવાજા પર અત્યાર સુધી તેના સિવાય કોઈ નહોતું આવ્યું. એ પેલા ચોકીદારને પૂછે છે કે ન્યાય તો બધા માટે છે, તો પછી આટલા વર્ષે મારા સિવાય અહીં કોઈ કેમ નથી આવ્યું? હવે એ વ્યક્તિની મૃત્યુની ઘડી નજીક આવી ગઈ હતી. ચોકીદાર તેને કહે છે, ‘આ દરવાજો તો તારા માટે જ ખોલવામાં આવ્યો હતો, પણ હવે એ બંધ થાય છે.’
વાર્તા વિશે તો અહીં સંક્ષિપ્ત લખ્યું છે, પણ એક દરવાજો હોય છે. એ દરવાજો બધાને મળે છે. એ દરવાજો બધા માટે ખુલ્લો હોય છે. કોઈ નજીક આવી જુએ છે, કોઈ આગળિયો ખખડાવે છે, કોઈ નોક નોક કરે છે, કોઈ બેલ વગાડ્યા રાખે છે, કોઈ સામેથી રાહ જુએ છે કે હમણાં કોઈ મહાનુભવ આવી ખોલશે, કોઈ કાફ્કાના નાયકની જેમ પ્રતીક્ષા કરતાં રહે છે, કોઈ પ્રતીક્ષા કરતાં કરતાં મૃત્યુની ચાદર ઓઢી લે છે. ને પછી એક અશ્વિની ભટ્ટ આવે છે. એ કોઈને પણ પૂછ્યાં કારવ્યાં વિના દાદાગીરીથી ઘુસી જાય છે. હવે દરવાજો ખુલી ગયો છે એટલે સૌ તેમાં પ્રવેશ કરી શકશે.
દરેક સાહિત્ય, ભલે તે લોકપ્રિય હોય કે ન હોય તેમાં એક વ્યક્તિ એવો હોય છે જે બંધ દરવાજાને પાટું મારવા માટે જન્મ્યો હોય છે. અશ્વિની ભટ્ટ આ શ્રેણીમાં આવે છે. એમણે એક એવો દરવાજો ખોલ્યો કે તેમની પાછળ પાછળ એ દરવાજામાં પ્રવેશવા માટે રીતસરની લાઈનો લાગી ગઈ. જુવાનિયાં એક વખત અશ્વિની ભટ્ટને વાંચે પછી એમને અશ્વિની ભટ્ટ થવાની લાલસા જાગે જ છે. મજાકમાં કહીએ તો, જેને આવું ન થાય તેણે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ!
અશ્વિની ભટ્ટે લોકપ્રિય સાહિત્યમાં કતલ મચાવીને રાખી છે. એમના સમયે તેઓ તાઉતે વાવાઝોડું જ બન્યા હતા. જે ઊભું થયું પણ આજની તારીખે તેનું શમન નથી થયું. એમને પ્રતિદ્વંદીઓ પણ ભાયડાછાપ મળ્યા. સૌથી મોટા હરકિસન મહેતા. જોકે હરકિસન મહેતા સર્જન વિસર્જનમાંથી જાણકારી મળે છે કે, ભટ્ટ ચિત્રલેખામાં લખે તો તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર હતા. જોકે તેમનું આ સ્વપ્ન કોઈ દિવસ પૂર્ણ નહોતું થયું.
વર્ષો પહેલા રાજકોટનાં ગ્રંથાલય દ્વારા સૌથી વધારે વંચાતા લેખકનો સર્વે કરવામાં આવ્યો ત્યારે હરકિસન મહેતા ટોપ પર હતા. અશ્વિની ભટ્ટ ન હોવા પાછળનું કારણ કે ત્યારે અશ્વિની ભટ્ટ એ અશ્વિની ભટ્ટ નહોતા બન્યા. અશ્વિની ભટ્ટે પરાપૂર્વથી ચાલી આવતી એક વ્યાખ્યાને પુન:જીવિત કરી આપણી સામે રાખી છે કે જે પણ મળે છે તેના માટે ખૂબ કષ્ટ વેઠવો પડે છે. માથાપચ્ચીસી કરવી પડે છે. કેટલાય સંઘર્ષોમાંથી સૂડી વચ્ચે સોપારી બની કપાવું પડે છે. દાયકાનાં દાયકાઓ ચાલ્યા જાય ત્યારે તમારો સ્વીકાર થાય છે. હોલિવુડ અભિનેતા ટોમ હેંક્સ કહે છે કે, ‘કોઈ વસ્તુમાં તમે વિશ્વાસ કરો પછી કામ કરવાનું કારણ શોધવું નથી પડતું. વિશ્વાસ જ કામ કરાવતું જાય છે.’
તમે યાદ આવ્યાં પુસ્તકમાં 165 પેજ નંબર પર વિનોદ ભટ્ટે નોંધ્યું છે, ‘અશ્વિની ભટ્ટનેય ‘આશકા માંડલ’ અને ‘ઓથાર’ સુધી પહોંચવા માટે લગભગ સાઠ પુસ્તકોના અનુવાદ કરવા પડ્યા હતા.’
શરૂઆતમાં તેમની કોઈ કૃતિને ઉઠાવીએ તો આપણને વિદ્વતાનો પરચો નથી મળતો. તેનાથી ખ્યાલ આવે છે કે ભટ્ટ સરળ અને દરેક જનમાનસને સમજાય તેવી કૃતિ રચતા હતા. એ પછી થોડી વિદ્વતા સામે રાખી પણ તેની જરૂરિયાત હતી. ધીમે ધીમે તેઓ ઘડાયા અને શબ્દોના સમ્રાટ બન્યા. એમની નવલકથામાં આવતા શબ્દોએ પણ નોખો ચીલો ચાતર્યો છે. શુદ્ધ સાહિત્યિક નવલકથાઓમાં વાચક કે ભાવક આડે શબ્દો કોઈ કોઈ વખત આડખીલ્લી રૂપ બનતા હોય છે, ભટ્ટના નવલકથાના પ્રવાહમાં તે બાધારૂપ નથી બનતા. ગુજરાતી લોકપ્રિય સાહિત્યના ઈતિહાસને ઉઠાવી જોવામાં આવે તો અશ્વિની ભટ્ટે પોતાના પુસ્તકો દ્વારા દરેક વર્ગનાં લોકોની સાથે સફળ પ્રત્યાયન કર્યું છે. ફક્ત અક્ષરજ્ઞાન ધરાવતો વ્યક્તિ વાંચે તોપણ મજા આવી જાય. આને પત્રકારત્વની વિદ્યાશાખાઓમાં કમ સે કમ એક પ્રકરણ રૂપે તો લઈ જ શકાય.
ભટ્ટમાં કંઈક તો હતું જ. નહીંતર રહસ્યકથાઓનાં એ દોરમાં જ્યારે સામાયિકો અને અખબારોમાં એકથી એક ચડીયાતી નવલકથાઓ આવતી હતી, તેમાં આજે ભટ્ટ ટકી ગયા અને બાકીના બધા ઉડી ગયાં. ઘણાં પુસ્તકો વિશે એવી રાવ હોય છે કે તે મળતું નથી. સારું હોવા છતાં મળતું નથી. હવે કાંઈ તમારા કે મારા એક માટે તો એ આખું પુસ્તક પ્રકાશક પ્રકાશિત ન કરે. આપણે તો એ જ સમજવું રહ્યું કે એ લેખક દરેક વર્ગને આકર્ષી ન શક્યા. ભટ્ટના પણ કેટલાક અનુવાદો અપ્રાપ્ય છે પણ તેની ડિમાન્ડ આજેય અકબંધ છે.
ભટ્ટ સારું લખતા હતા એ કરતાં ભટ્ટ એ બધા કરતા વધારે મહેનતું હતા કહેવું યોગ્ય રહેશે. કદાચ તેની પૂર્વભૂમિકા અનુવાદમાં બંધાઈ ગઈ હોવી જોઈએ. આટલી દમદાર કથાઓનાં અનુવાદ, વિપુલ વાંચન અને રખડપટ્ટીએ જ તેમને લોખંડી લેખક બનાવ્યા હોવા જોઈએ. અલગારી રખડપટ્ટી અને શોધ સંશોધન કરી લખવું એ ભટ્ટમાંથી ઘણા લેખકો શીખ્યા છે.
એમની સફળતાનું બીજું રહસ્ય એ પણ ગણી શકાય કે તેઓ કોઈ વખત રહસ્ય સાહિત્ય સિવાય આડાતેડા ભાગ્યા નથી. એમને ખબર હતી કે તેમને શું કરવું છે. ભટ્ટના લેખકીય ઈતિહાસને તપાસતા ખ્યાલ આવે છે કે આરંભમાં એમનું પૂરું ધ્યાન અંગ્રેજી રહસ્યકથાઓનાં અનુવાદમાં અને બાદમાં ગુજરાતીમાં સસ્પેન્સ થ્રીલર નવલકથાઓ લખવામાં જ રહ્યું છે. ભટ્ટે નાટક, કવિતાઓ, હાઈકુ, ગઝલ, સાહિત્યમાં ઉચ્ચ દરજ્જો અપાવતી વાર્તાઓ કે ગામઠી લઢણની વાર્તાઓ આવું કશું લખ્યું નથી. (લખ્યું હોય તોપણ આપણા સુધી પહોંચ્યું નથી.) એમણે એમનો રસ્તો ક્લિયર કરી લીધો હતો. ઘણી બધી દોરીઓ હતી એમાંથી તેઓ એક જ દોરી પર ચાલ્યા અને છેવટ સુધી તેના પર જ ચાલતા રહ્યા.
ખાસ સામાયિકો અને અખબારોમાં આવતી તેમની હપ્તાવાર નવલકથાઓ અને વાચકોના પુષ્કળ અભિપ્રાયે તેમને સતત લખતા રહેવાનું પોરસ ચડાવ્યું છે. કોઈ પણ કલાકાર માટે પ્રશસ્તિ એ બુસ્ટર ડોઝનું કામ કરે છે. ભટ્ટ માટે આ કામ તેમના વાચકોએ કર્યું હતું. પ્રસિદ્ધિ અને પ્રશસ્તિ ન મળે તો તો લેખક જીવતો જ મરી જાય. અશ્વિની ભટ્ટને તો મૃત્યુ બાદ પણ કોઈએ મરવા ન દીધા. આ એવોર્ડ ખૂબ ઓછા લેખકોને મળતો હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત