પારૂલ આડેસરા: કેન્સર, એઇડઝ, કોરોના વગેરે જેવા ગંભીર રોગો ઉપરાંત વિશ્વ આજે એક આવી જ અન્ય ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યું છે, એ છે ક્ષય. જેને ટી.બી.(ટયુબરકયુલોસીસ)ના નામે પણ ઓળખવામાં આવે છે. અગાઉના સમયમાં ‘રાજરોગ’ ની ઉપમા ધરાવતી આ બિમારી એટલે ટી.બી. કે જે વર્ષોથી માનવ જીવનને ઊધઈની માફક કોરી રહી છે.
ટી.બી. નિયંત્રણ મિશનમાં રાજકોટ જિલ્લાની ભૂમિકાની વિગતો આપતા જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતાએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી.ના દર્દીઓને સંપૂર્ણપણે ટી.બી. મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૧ દરમિયાન ૪૬૦૫ ટી.બી. પોઝિટિવના કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૦માં ૨૦૯૭ ટી.બી.ના દર્દીઓને યોગ્ય સારવાર આપીને ટી.બી. મુક્ત કરવામાં આવ્યા હતા.
ટી.બી.નો કોર્ષ એક વર્ષ જેટલો લાંબો કે તેથી પણ વધુનો હોય છે. ટી.બી.માં ૮૫ ટકા જેટલો રીકવરી રેટ રહેતો હોય છે. ટી.બી. એ ફેફસામાં, સ્વરપેટીમાં, લસિકાગ્રંથીમાં, હાડકાંમાં, ત્વચામાં, ગર્ભાશય, લીવર, મગજ, આંતરડા કે શરીરના કોઇ પણ અંગમાં પેસારો કરી શકે છે. માત્ર નખ અને વાળ સિવાય શરીરના કોઇ પણ અંગમાં ટી.બી. થઇ શકે છે. ફેફસાનો ટી.બી. ચેપી હોય છે. પરંતુ ફેફસા સિવાયનો ટી.બી. ચેપી હોતો નથી.
ટી.બી.ની તપાસ અને સારવાર અંગે માહિતી આપતા રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રના લેબોરેટરી ટેક્નીશિયન મુકેશ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ટી.બી.ને નિયંત્રિત કરવા માટે ૧૦૨ જેટલા હેલ્થ સેન્ટરો કાર્યરત છે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજકોટ અને જેતપુર ખાતે ટી.બી. પરિક્ષણના અદ્યતન મશીનોની સગવડ પૂરી પાડવામાં આવી છે. જેના દ્વારા દર્દીઓને તપાસ રીપોર્ટ બિલ્કુલ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે.
ટી.બી. મુક્ત અભિયાન – ૨૦૨૫ અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર લોક જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ક્ષયની નાબુદી માટે ઓનલાઈન મોનીટરીંગ રીવાઈઝડ નેશનલ ટી.બી કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મૂકયો છે.
ટી.બી.ના દર્દીના શરૂઆતના લક્ષણોમાં દર્દીનું વજન ઘટી શકે છે અને તેને ઉધરસ આવતી હોય છે. આ કારણોસર જ દર્દીને પોષણયુકત આહાર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તમામ દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના અન્વયે દર માસે ૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. રાજકોટમાં વર્ષ ૨૦૨૧માં ૩૨૬૯ જેટલા દર્દીઓ નિક્ષય સહાય યોજના અંતર્ગત માસિક રૂ. ૫૦૦નો લાભ લઈ ચુક્યા છે.
ટી.બી.નો કોર્ષ મોટા ભાગે એક વર્ષ જેટલા સમય સુધી ચાલે તો એક વર્ષ સુધી રૂ. ૫૦૦ દર્દીના ખાતામાં ટી.બી. કેન્દ્ર દ્વારા ચૂકવવામાં આવે છે. તેમ ક્ષય નિવારણ કેન્દ્રના ડો. મહેશ રાચ્છએ જણાવ્યું હતું. ટ્યુબરકયુલોસીસ બેકટેરિયા એટલે કે ટી.બી.ની ઓળખ સૌ પ્રથમ વખત ૨૪ મી માર્ચ ૧૮૮૨ના દિવસે માઈક્રોબાયોલોજીના જનક ગણાતા ડૉ. રોબર્ટ કોચએ કરી હતી. ત્યારથી ટી.બી.ની જાગૃતિ અર્થે ૨૪ મી માર્ચે વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવે છે. સવાસો વર્ષ પહેલાથી અસ્તિત્વમાં આવેલા ટી.બી. રોગને કારણે અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે આ ટી.બી. રોગ આધુનિક સારવારથી મટાડી શકાય છે. ટી.બી.ના જીવાણુંઓ ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા હવામાં ફેલાય છે. આ દુષિત હવા શ્વાસમાં જવાથી તંદુરસ્ત વ્યક્તિને આ રોગનો ચેપ લાગી શકે છે.
એક અંદાજ પ્રમાણે વિશ્વમાં રોજના એક હજારથી વધુ મૃત્યુ ક્ષય-ટી.બી.ના રોગના કારણે થાય છે. સમાજને પાંગળો બનાવી દેતા ટી.બી.ને નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સવિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત “રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ” માટેના કાર્યક્રમોનું પણ સમયાંતરે આયોજન પણ કરવામાં આવે છે.
સકારાત્મક ઊર્જાથી ભરેલા ડૉ. ઘનશ્યામ મહેતાએ દર્દીઓની શારીરિક અવસ્થાની સાથે માનસિક અવસ્થાનો ચિતાર આપતા કહ્યું હતું કે, સામાન્ય રીતે ટી.બી.ની સારવાર દરમિયાન દવાઓના ડોઝને કારણે દર્દીઓને ચીડિયાપણું, એકલતા અને હતાશાના લક્ષણો પણ ઘેરી વળે છે. તેવા સમયે તેમના માટે પરિવારની હુંફ, પ્રેમ અને ધૈર્ય ખુબ જરૂરી છે. જેને ધ્યાને લઈ દર્દીઓને બીમારી સામે લડવાની હિંમત મળે, તે માટે જિલ્લા ક્ષય કેન્દ્રમાં મનોચિકિત્સકો પણ વિશેષ ભૂમિકા ભજવી રહ્યા છે.
ટી.બી.ની સારવાર ધીરજ અને સમય માગી લે તેવી છે. દર્દીઓની ધીરજના અભાવને કારણે તેઓ અધવચ્ચેથી જ સારવાર લેવાનું છોડી દે અને યોગ્ય સારવાર લેવામાં ન આવે તો MDR – ટી.બી.(મલ્ટી ડ્રગ રજીસ્ટર) થવાની સંભાવના વધી જાય છે.
મગજમાં ટી.બી.ની મોટી ગાંઠે આશાસ્પદ યુવાનોના ભોગ લીધો
ટી.બી.ના દર્દને બહુ ગંભીરતાથી લેવો જોઇએ. આ લેખ લખનારે તેના ૩૬ વર્ષીય યુવાન ભાઇ જુગલ આડેસરાને અગિયાર માસ પહેલા મગજમાં ટી.બી.ની ગાંઠ થવાથી મૃત્યુ થતાં જોયું છે. તેમજ ત્રણ વર્ષ પહેલા બીજા ભાઇ જયંત આડેસરાને પણ ટી.બી.થી મૃત્યુ પામતા અનુભવ્યા છે. મોટા ભાગે ટી.બી.ના લક્ષણોમાં ઉધરસ-કફ હોય છે, પરંતુ જુગલના કિસ્સામાં ઉધરસ-કફનું નામોનિશાન ન હતું. છુપુ ટી.બી. હતું. એક માત્ર વજન ઘટવું એ જ મુખ્ય લક્ષણ હતું. અને એટલે જ જુગલનું ઓલ બોડી ચેક અપ કરાવડાવ્યું તો બધુ જ નોર્મલ આવ્યું. પછી છાતીનો ટેસ્ટ કરાવડાવ્યો તો ફેફસામાં ઇન્ફેશન જેવુ કંઇક આવ્યું. એટલે ગળફાનો ટેસ્ટ કરાવડાવ્યો તો તેમાં પણ ટી.બી. ન આવ્યો. પરંતુ એકસ-રેમાં કશુંક ન સમજાય તેવું હતું એટલે મગજ અને ફેફસાનો સીટી સ્કેન કરાવડાવ્યો તો મગજ અને ફેફસા સહિતના અંગોમાં ગાંઠો આવી, જે ટી.બી.ની હોઇ શકે તેવુ તારણ નીકળ્યું. અને પછી ફરી ગળફાનો બીજી વાર વિશેષ પ્રકારનો ટેસ્ટ કરાવતા ટી.બી. હોવાનું જાણવામાં આવ્યું. ટી.બી.નો ઉપચાર શરૂ કર્યો. એક સરખી – એક જેવી જ પાંચ મેડીસીન એક સાથે પીવાની. બે મહિના પછી આ દવાનો ડોઝ ઘટાડીને નાની સાઇઝની ટી.બી.ની એટલી જ માત્રાની પાંચ ટીકડીઓ શરૂ કરી. અને ફેફસાનો એકસ-રે કરાવડાવ્યો તો ટી.બી.નો રિપોર્ટ નેગેટીવ આવ્યો. અમને હાશકારો થયો. પરંતુ મગજમાં પહોચેલા ટી.બી.ના જંતુનો વિસ્તાર ગાંઠ સ્વરૂપે વધતો જ ગયો ને બિમારી જાણ થયાના ત્રણ માસના અંતે જુગલનું બેહોશ થવું અને ૧૫ દિવસ પછી મૃત્યુ. આમ ટી.બી. જો ખૂબ ફેલાઇ જાય તો તે મટવો મુશ્કેલ છે. માટે જો વજન ઘટે કે ઉધરસ થાય તો તરત જ ગળફાનો ટેસ્ટ તથા ફેફસા સહિત શરીરનાં જે અંગમાં ખરાબી દેખાય તે અંગનું સિટિ સ્કેન કરાવવું જોઇએ. ટી.બી.માં અશકિત – નબળાઇ ખૂબ જ રહેતી હોવાથી તેમજ ટી.બી.ની દવા કે જે ડોટસના નામે ઓળખાય છે તે ખૂબ જ ગરમ હોવાથી ટી.બી.ના દર્દીને પોષણયુકત ખોરાક આપવો ખૂબ જ જરૂરી છે. ટી.બી.ના જંતુને મારવા ખૂબ અઘરા છે. આથી ટી.બી.ના દર્દીની સાતત્યપૂર્ણ સારવાર ખૂબ જરૂરી છે.
(આલેખન – પારૂલ આડેસરા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
