Homeસાહિત્યલેખકોની લખવાની આટલી ભયંકર પદ્ધતિઓ ક્યાંય નહીં સાંભળી હોય

લેખકોની લખવાની આટલી ભયંકર પદ્ધતિઓ ક્યાંય નહીં સાંભળી હોય

Team Chabuk-Literature Desk: લેખક જ બનવું છે અને ગુજરાતી છાપાઓ અને સામાયિકોમાં લખવું છે, પુસ્તકો લખવા છે, આવો રોમાંચ જ્યારે પ્રથમ વખત શરીરમાં વીજળી વેગે પસાર થાય એ ક્ષણ જ કંઈક અદભુત હોય છે. કોઈનું લખેલું કોપી કરવાનું મન થઈ જાય પણ બાદમાં ખ્યાલ આવે કે કોપી કરીને લેખક નથી બનાતું. એ તો મૌલિક હોય છે. પછી વિચારો રજૂ કરવાની આદત પડી જાય. લખાઈ, ભૂંસાઈ, ચેકચાક થાય, કોઈ વખાણ કરે, કોઈ લખાણને તોડી મરોડી નાખે, કોઈને ગમે, કોઈને ન ગમે. આવી બધી વસ્તુઓ લેખક તરીકે થતી રહેવાની છે અને થતી રહેશે. ભલે ગમે તેટલા મોટા લેખક કેમ ન બની જાવ. લેખકનું કામ દરિયામાં આવતી ભરતી અને ઓટ જેવું હોય છે. ક્યારેક જ સારું લખાય બાકી રોજ રોજ લખો ત્યારે મોટા ભાગના વિષયો ચવાઈ ગયેલા જ હોય. ઈન્ટરનેટના યુગમાં વાંચકની આંખ નીચેથી પસાર થઈ ગયેલા જ હોય. કહી શકીએ કે નિર્જીવ હોય.

હમણાં કોઈ અશ્વિની ભટ્ટની લેખનશૈલી કે ચંદ્રકાંત બક્ષીની લેખનશૈલી વિષે લખે તો કેવું લાગે ? વિષય દમદાર હોવો જોઈએ જેથી વાંચક જકડાય રહે. વિષય મજબૂત હોય તો બધું થઈ શકે. ફેસબુકમાં તો આ જોયું જ હશે. કોઈ મજબૂત વિષય પર તમે જ લખો અને પછી કોઈ નબળા વિષય પર પણ તમે જ લખો ત્યારે પસંદગી નાપસંદગીનો ખ્યાલ લાઈક અને કોમેન્ટ પરથી આવી જ જાય છે. જોકે એ લાઈક અને કોમેન્ટ પર વધારે વિશ્વાસ મુકવા જેવો નથી. ફેસબુકમાં કરેલી અભિવ્યક્તિના ખોટા પ્રતિભાવથી લલચાઈને ઘણા લેખક બની ગયા હોવાનો આંધળો વિશ્વાસ ‘સ્વ’ પર કરી લે છે. આજે સૌથી ગમતાં વિષય પર વાત કરવાની છે. લેખકોની લખવાની ખતરનાક આદતો વિષે.

લેખકોની લખવાની આદતો ઘણી જ ભયાનક હોય છે. કદાચ એટલે જ એ કહેતા હોવા જોઈએ કે હું લખું ત્યારે મારા ઓરડામાં કોઈએ પ્રવેશ કરવો નહિ. તેમાં પણ જો પશ્ચિમનો લેખક હોય તો તો તેમની આદતો અત્યંત ડરાવની હોવાની. ભારતનાં લેખકોની આદતો પણ કંઈ સારી કહેવડાવાય એવી નથી. લેખકો જેટલું લખવામાં ધ્યાન આપે છે એટલું સ્વચ્છતા પ્રત્યે આપતા નથી. ટેબલ ગંદુ હોય. આજુબાજુ બોલપેન વેરાયેલી પડી હોય કે લેપટોપ કોમ્પ્યુટર પર ધૂળના થર જામી ગયા હોય. પુસ્તકો મૃતસૈનિકોના દેહની જેમ પડ્યા હોય. આમાંથી કેટલાક અલગ તરી આવે જે ડેસ્કની રોજ સફાઈ કરે. ભગવાનની પૂજા કરે અને છતાં સારું ન લખાય એમ પણ બને.

એક સઆદત હસન મન્ટો હતા. જવલ્લેજ કોઈ હશે જે આ લેખકના નામથી પરિચિત નહીં હોય. મન્ટો વિશે ઈસ્મત ચુગતાઈએ કહ્યું છે કે, ‘મન્ટોના ઘરે હું ગઈ ત્યારે તેઓ એક વંદાની માફક ગૂંચળું વળીને લખતાં હતાં.’ તો ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષી પાસે અલગ અલગ પ્રકારની પેન હતી. તેમના લેખ જ્યારે છપાવા આવતા ત્યારે સુઘડ અને સુવાચ્ય અક્ષરો અને એક પણ ભૂલ નહીં આ તેમની ઓળખ બની ગઈ હતી. જે તેમને અન્ય કોલમિસ્ટો કરતાં અલગ તારવતી હતી. એ રાતના ત્રણ વાગ્યા સુધી સંશોધન કરીને લખતા હતા. આ મહેનતે જ એમને બક્ષી બનાવ્યા છે.

દુખિયારા જેવી ક્લાસિક નવલકથા આપનારા વિક્ટર હ્યુગોની લખતા સમયે એક માથુ ચકરાવી દે એવી આદત હતી, તેમણે પોતાની નવલકથાઓ લખતા સમયે કપડા કબાટમાં મૂકી દીધા હતા, જેના કારણે પોતાના લખાણ પર પૂરતું ધ્યાન આપી શકે, નહીં કે પહેરવેશમાં. પહેરેલી એક જોડી અને શાલ તેમની પાસે હોય. માર્ક ઝુકરબર્ગ અને સ્ટીવ જોબ્સની એક સરખા કપડાવાળી પદ્ધતિ અત્યારે ચલણમાં લાવી, બાકી વિક્ટર હ્યુગો તો ક્યારનાં કરતા આવ્યા છે!

યુલેસીસ જેવી ભારેભરખમ અને ક્લાસિક નવલકથાના રચયિતા જેમ્સ જોઈસને આંખે ઓછું દેખાવાની તકલીફ હતી. તે પોતાની પાસે રોજ એક ટ્યુબલાઈટનો બોર્ડ રાખતા જેના કારણે જોવામાં અડચણ પેદા ન થાય.

સૌથી ખતરનાક પદ્ધતિ કોઈની હોય તો તે છે, ઈન કોલ્ડ બ્લડના લેખક ટર્મન કેપોટની. તેઓ હોટેલમાં જ લખતા અને કોઈ પણ હોટેલમાં રોકાઈ તે હોટેલનો 13 નંબરનો રૂમ જ ફરજીયાત બુક કરતાં હતાં. ઉપરથી તેઓ શુક્રવારે લખવામાં વીક ઓફ રાખતા. અને જ્યારે પણ લખવા માટે બેસે ત્યારે ત્રણ સિગરેટ તેમની પાસે હોય જ. ત્રણ સિગરેટ પૂરી પછી વધારે એક પણ પીવાની નહીં.

વોલેસ સ્ટીવન્સ નામના એક કવિ. જેમને ચાબુકે વાચ્યા નથી. પણ વોલેસભાઈ હંમેશાં સુતા સુતા લખતા. યા તો ચાલતાં ચાલતાં લખતા, જેના કારણે તેમને વિચારો ઝડપથી આવે. એક વાત તો છે કે ચાલવાના કારણે મગજ ત્વરિત વેગથી દોડે છે. વિચારો ઝડપથી આવવા લાગે છે. જો પાસે નોટબુક કે કંઈ ન હોય તો એ વિચારોનું વિલોપન થતાં પણ વાર નથી લાગતી. લેખકોએ કંઈનું કંઈ ટપકાવવા માટે નજીકમાં ડાયરી અચૂક રાખવી. અથવા તો ડાયરી લખવાની આદત કેળવી લેવી.

ઓન ધ રોડના લેખક જેક કોલસની લખવાની આદતનું શું કહેવું ? આ નવલકથાકાર પોતાની પાસે લાંબી પેન હોય તો જ લખતા. ફેડરિક સ્કીલર નામના કવિ લખતી વખતે પોતાના ટેબલની પાસે એક સફરજન રાખતાં જેની સુગંધના કારણે તેમને વિચારો આવે. વ્લાદિમિર નોકબોવ નામના એક રશિયન લેખક હતા, તેમને ઈન્ડેક્ષમાં લખવાની આદત હતી, ઉપરથી કોઈવાર કાગળીયા બુટમાં ભરાવીને રાખતા જેથી એડિટરને આપવાના હોય તો ટાણે યાદ આવી જાય. તેની પાછળનું બહુમૂલ્ય કારણ કે તેમની યાદશક્તિ ઓછી હતી. એડિટર પાસે પહોંચે અને યાદ આવે તો રાતના બુટમાં ફસાવીને રાખેલું કાગળીયું પકડાવી દે.

નવલકથા ક્ષેત્રે મર્ડર સમ્રાજ્ઞી કહેવાતી અગાથા ક્રિસ્ટીની તો વાતો કરીએ એટલી ઓછી છે. તેમની એક ખાસમખાસ વાત એ કે તેઓ રસોડા અને ટ્રેનમાં લખતાં હતાં. મુસાફરી દરમિયાન, જેમાં મુસાફરી કરે એમાં ખૂન કરાવી નાખતા હતા. કાગળ પર એમણે જે તે પાત્ર વડે કરાવેલા ખૂનમાં, મોટાભાગના ટ્રેન કે જહાજમાં થયા છે. રહી રહીને પાછળથી અગાથાને સફરજન ખાવાનો શોખ જાગ્યો. બાથટબમાં બેસતા અને સફરજન ખાતા-ખાતા લખતાં. થોડાક ખૂન ત્યાં પણ કરી નાખ્યાં. વાચકને એવું લાગે કે લેખકે ખૂનની કેવી કેવી તરકીબો વાપરી, બાકી લેખકને મન એવું કશું હોતું નથી. એ તો જે જગ્યા જુએ ત્યાં જ પતાવી નાખે. આ તો વાચકની મહેરબાની કે લેખક ખ્યાતિ પામે છે.

રશિયાની સિડોલીન ગ્રેબિયલ નામની એક લેખિકા હતી. જેને સમજદાર લેખિકા ગણી શકાય. તેઓ જ્યારે પણ લખતા ત્યારે પૈસા લઈને જ લખવા બેસતા. જો કોઈ એડિટર પૈસા ન આપે તો તેમની કલમ થોડી અમથી પણ ન ચાલે. અને જો પૈસા આપી દો તો ક્લાસિક અને ધબધબાવીને કિલોમીટર લાંબુ લખી નાખે. લેખકોએ સિડોલીન ગ્રેબિયલ જેવા બનવાની જરૂર છે.

એડગર એલન પો અમેરિકન રાઈટર અને વિવેચક હતા. પોતાની તમામ કોપીઓ લખીને તેઓ ગુંદરથી દિવાલ પર કે પોતાના કાગળ પર ચોંટાડી દેતા. જેથી તેમની સામે રહે. પોની ન વાંચી હોય તો ભયાનકકથાઓ વાંચજો. વર્ષો સુધી અને આજે પણ તેમણે વાંચકોને ભરપૂર મનોરંજન પૂર્ણ પાડ્યું છે.

હોરરના આવા જ ખ્યાતનામ લેખક સ્ટીફન કિંગ રોજ 2000 શબ્દો લખે. આ પહેલા કોઈ કામ નહીં કરવાનું. 2000 શબ્દો લખાય જાય, પછી વાચવાનું. કોઈ વખત લખાણમાં હાથ બેસી જાય તો એ શબ્દો 10,000ને પાર પણ થઈ જાય. તેઓ એવી રીતે લેખન પ્રક્રિયા કરે છે જેવી રીતે તેમને કોઈએ ખાનગી નોકરી પર રાખ્યા હોય અને ફરજીયાત આઠ કલાકની ડ્યુટી કરવાની હોય. આ કારણે જ આટલી નવલકથાઓ અને વાર્તાઓ તેમના નામે બોલે છે. તેઓ એક વાત પર ખાસ ભાર મૂકે છે કે વાંચો, વાંચશો નહીં તો લખી નહીં શકો.

હોલિવુડ ડિરેક્ટર વુડી એલનની સૌથી મોટી ખાસિયત કે તેઓ ફિલ્મો ડાયરેક્ટ કરવા સિવાય જોક્સ પણ લખે છે. અને રોજના 50 લખે છે. તો જ્હોન સ્ટેઈબેક નામના લેખકની એવી આદત કે તેઓ હંમેશાં પોતાના ટેબલ પર 12 પેન્સિલ રાખતા. એ પણ તિક્ષ્ણ ધારવાળી. 12 ન હોય તો લખે નહીં. વર્જીનિયા વુલ્ફ ઊભા ઊભા લખતા અને લખવા માટે તેમણે ખાસ એક ઉભું ડેસ્ક તૈયાર કરાવડાવ્યુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments