Homeસાહિત્યઅરે આ તો મારા સાંઈઠ રૂપિયા દાબી ગયો એ...

અરે આ તો મારા સાંઈઠ રૂપિયા દાબી ગયો એ…

1951ની સાલમાં તારક દાદાની પ્રથમ વાર્તા નસીબ કુમાર સામાયિકમાં છપાઈ હતી. એ વખતે કહેવાતું હતું કે કુમાર મેગેઝિનમાં કોઈની વાર્તા કે કવિતા છપાઈ જાય છે, તો લેખક તરીકે ધૂબાકો મારવાનો સ્વિમિંગ પુલ તેને મળી જાય છે. સાંપ્રત સમયમાં કુમાર સામાયિકની સ્થિતિ સારી નથી. કોરોનાના દર્દીને જેમ ઓક્સિજન પર રાખવા પડે તેમ તે ઓક્સિજન પર છે. આજે તો કુમારમાં કૃતિ મોકલવાની સંખ્યા પણ ઘટી છે. તેના કરતાં ઈન્સસ્ટન્ટ પ્રતિભાવ મેળવવા માટે સારા લેખકો પણ ફેસબુકમાં મૂકી દે છે.

તારકદાદાએ લખેલી એ વાર્તા ઓ.હેન્રીના પ્રભાવ હેઠળ લખાય હતી. એમણે ઓ.હેન્રીની વાર્તાને થોડી ઉલટાવી નાખી. એક્શન રિપ્લે આત્મકથા બોલે છે, ‘કોઈ માણસને અચાનક ખબર પડે, એને દસ લાખની લોટરી લાગી છે તો કદાચ એની ડગળી ચસકી જાય. એક કુટુંબમાં એક છોકરો ગાંડો છે. કદાચ એના નસીબમાં લૉટરી લાગવાની હોય તો? એવો વિચાર કરી એનો ભાઈ એના નામની લૉટરી ખરીદે છે. લૉટરી લાગે તોયે એ ગાંડાને પૈસાની શો ખપ. ખરેખર ગાંડાને લૉટરી લાગે છે. જ્યારે એને સમાચાર આપવામાં આવે છે ત્યારે આઘાતથી એ ડાહ્યો થઈ જાય છે. આવી આવી ટચૂકડી વાર્તાઓ હું લખતો.’

આ પહેલા કવિતાઓની વાત કરેલી. કુમારની કવિતાસભાઓમાં જવાનો તારકદાદાને એક જ ફાયદો થયો કે તેમણે કવિતાઓ કરવાનું છોડી દીધું. બચુભાઈ કુમાર સામાયિકના તંત્રી હતા. અત્યારે ધીરૂ પરીખ છે. બચુભાઈ હોશિયાર. તેમને કુમારને વિશ્વકક્ષાના સામાયિકોની હરોળમાં ઊભું કરવું હતું. આ માટે તેઓ દિવસ રાત કામ કરતા રહેતા હતા. તેઓ ઘરે ઓછા અને ઓફિસમાં વધારે રહેતા હતા. તારક મહેતા આ બુદ્ધિજીવી વિશે કહે છે કે, ‘કબાટના પુસ્તકો વચ્ચે તેમણે જગ્યા કોરી કાઢી હતી.’ દરેકને સમય આપતા હતા. નવોદિતોની વાત સાંભળતા હતા. ખોટી પ્રશંસા કરતા નહોતા અને ટીકા પણ મોઢા સામે કરી દેતા હતા.

1956ની સાલ સુધી તારક મહેતા કુમારમાં પોતાની કૃતિઓ મોકલતા રહ્યા. કૃતિની સંખ્યા આઠ થઈ. કુમાર સામાયિકનું સ્તર જેમ ઊંચું હતું, તેમ તેનું પુરસ્કારનું ધોરણ ઊંચુ ન હતું. કોઈ પણ કૃતિને બચુભાઈ ફુટપટ્ટીથી માપતા અને આઠ આના કે સાવ નજીવા ભાવે પૈસા ચૂકવતા હતા. નવોદિતો કૃતિ લાંબી કરે તો એમાં પણ કટકો મારી દેતા હતા. વધારે તો કોઈને પણ નહીં. વધારે પુરસ્કાર મળવાની આશા એ જ કેટલાક લેખકો બીજા સામાયિકમાં પોતાનું લખાણ આપવા લાગ્યા. જોકે એવા સામાયિકોની સંખ્યા પણ આંગળીના વેઢે ગણાય એટલી જ હતી. આંગળીના વેઢાની ક્યાં કહો છો? બે જ હતા.

તારક દાદાનું ફિલ્મલાઈનમાં કંઈ જામતું ન હતું. જામે નહીં ત્યાં સુધી તો સામાયિકોમાં લખતા રહેવાનું જ. અખંડ આનંદ અને માધુરી જેવા સામાયિકોમાં તેમની વાર્તાઓ છપાતી હતી. એમાં એક સિનેમા સાપ્તાહિકના તંત્રી સાથે ભેટો થઈ ગયો. તેમની ઈચ્છા હતી કે તારક મારા સામાયિકમાં લખે. પુરસ્કારનું ધોરણ ખૂબ ઊચું હતું. પંદર રૂપિયા મળવાના હતા. મહિનાના થયા સાંઈઠ રૂપિયા. કોણ ન લખે ? તારકદાદાએ હા પાડી દીધી.

તંત્રીશ્રી અગાઉ એક મોટા સિનેમા સાપ્તાહિકમાં કામ કરતા હતા. તેમનું ખાસ્સુ નામ થયું હતું. લોકો પણ તેમને ઓળખતા હતા. થયું એવું કે એમના મગજમાં રાઈ ભરાઈ ગઈ કે મારા કારણે જ તો આ સામાયિક ચાલે છે, તો હું શું કામેને મારું સામાયિક ન ખોલું અને પોતે જ રૂપિયા કમાઉં. તેમણે એમ જ કર્યું. તારક મહેતા તેમાં વાર્તા લખતા અને મહિને 60 રૂપિયા મળતા હતા. ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ ગયો. તારક મહેતાએ સુહાગરાતની જેમ સપનાઓ સજાવીને રાખ્યા હતા કે હવે આ મહિનાના 60 રૂપિયા હાથમાં આવે એટલે આમ નહીં ને આમ કરવું છે.

એ વાર્તાની રકમ લેવા માટે તંત્રીની ઓફિસે પહોંચ્યા તો ત્યાં ખંભાતી તાળુ મારેલું હતું. તારક દાદા તો હચમચી ગયા. બાજુવાળાની દુકાને જઈ પૂછ્યું, ‘એલા આ ક્યાં ?’

પાડોશી દુકાનદાર કહે, ‘મેગિઝન બંધ હો ગયો.’ મેગેઝિન બંધ થતાની સાથે જ તારકદાદાના સપનાઓ પણ સોહાગણની બંગડીઓની માફક ચૂરચૂર થઈ ગયા. એ તો વિધવા થઈ ગયા!! સાંઈઠ રૂપિયા ગયા.

આ ઘટના બની તેના દસ વર્ષ પછીની આ વાત છે. તારકદાદા ભારત સરકારના ફિલ્મ ડિવિઝનમાં ભાષ્યલેખક તરીકેની નોકરી કરતા હતા. એક ગાડી આવી. તેમણે જોયું તો ટેક્સીમાંથી એક પરિચિત ચહેરો ઉતરી રહ્યો હતો. તારકદાદાએ ખૂબ વિચાર્યું કે આને ક્યાંક તો જોયેલો છે.

મગજમાં સ્પાર્ક થયો. તારકદાદા બોલી ઊઠ્યા, ‘અરે આ તો મારા સાંઈઠ રૂપિયા દાબી ગયો એ.’

એ ટેક્સીમાંથી ઉતર્યો અને સીધો તારકદાદા પાસે આવ્યો. તેનું વર્ણન તારકદાદાએ કંઈક આવું કર્યું છે, ‘દૂબળા તો હતા જ. હવે વધારે ચીમળાયા હતા. સોડાની બોટલના તળિયા જેવા જાડા કાચના ચશ્મા આવી ગયાં હતાં.’

તારકદાદાએ તેને આવકાર આપ્યો. ત્યાં તો પેલો લખાવીને લે-ભાગુ થઈ જતો તંત્રી ગળે ચોંટ્યો, ‘એક સો રૂપિયાની નોટ આપો. કાલ પાછા આપી દઈશ.’

તારકદાદા ખોટું બોલ્યા, ‘મારી પાસે એટલા બધા નથી.’

‘મારે આજે કોર્ટની મુદ્દત છે. ક્યાંકથી થાય તો ગોઠવણ કરી આપો ને.’ પેલો તો વેતાલની જેમ પીઠ પાછળ ચોંટી ગયો. જવાબ આપો છતાં ન ઉખડે.

‘પણ મારી પાસે તો પચ્ચીસ રૂપિયા જ છે.’ તારક મહેતાએ કહ્યું.

‘એય ચાલશે આપો.’

આ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા. કુલ થયા પંદર વર્ષ. એ એક બીજા માણસ સાથે પાછો આવ્યો અને તારક મહેતાને કહે, ‘આ ભાઈનું નામ જગુ છે. અમારે કોમેડી નાટક પ્રોડ્યુસ કરવું છે. મેં આને કહ્યું છે કે કોમેડી લખવામાં તારકને કોઈ ન પહોંચે. નાટકને દિવાળી પર રિલીઝ કરવું છે અને સમય ઓછો છે. હવે બોલ ક્યારે લખી આપે છે?’

તારક દાદાએ ના પાડી દીધી. એમણે કહ્યું કે, ‘મેં ઘણી જગ્યાએ કમિટમેન્ટ્સ આપેલા છે. હું નહીં લખી આપું.’ પેલો તો માને જ નહીં. જામી પડ્યો કે લખવું તો તમારે જ પડશે. પણ તારક દાદા માનવાના ક્યાં હતા. એ પોતાની રકમ 85થી વધારે કરવા નહોતા ઈચ્છતા. એમણે માફી માગી કે હું નહીં લખી શકું.

છે ને રિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક દાદાની  આત્મકથા એક્શન રિપ્લેમાં તો આવા ગણ્યા ગણાય નહીં એટલા કિસ્સાઓની ભરમાર છે. યાદ તો છે ને 26 તારીખે એમનો જન્મદિવસ આવે છે. આ બધું એટલા માટે જ તો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments