Team Chabuk-Special Desk: આજે સમાચારનો ઈતિહાસ પત્રકારત્વની સંસ્થાઓ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. ભણ્યા પછી એ કામ નથી આવતો. આમ પણ પત્રકારત્વ ભણીને શીખી નથી શકાતું. એ મેદાનમાં ઉતરીને શીખવાની વસ્તુ છે. પત્રકારત્વની સંસ્થાઓમાં પણ જે સમાચારપત્રો વિશે ભણાવવામાં આવે છે તેના પુસ્તકોમાં પણ વૈવિધ્ય નથી. કેટલીક વખત તો પુસ્તક પણ ન હોય. સિનીયરે લખેલા લખાણને લકીર માની ચાલવાનું હોય.
ગુજરાતના પ્રમુખ અખબારો વિશે ઘણા લોકો જાણે છે. હવે અખબાર કરતા વેબસાઈટ અને ચેનલનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, કારણ કે તેમાં આવક બમણી મળે છે. વર્ષોથી પલોઠી વાળી બેસેલા અખબાર સિવાય કોઈ નવું અખબાર આવે તો તેને કોઈ સુંઘતું સુદ્ધાં નથી. સિવાય કે લાઈબ્રેરીમાં તેના જર્જરીત પાનાં મળી આવે કે ઓટોરીક્ષાની આગળનો કાચ લૂંછવાના કામે લાગે. આજે ભારતના પ્રથમ એવા અખબારની વાત કરીએ જેને દલિત મહિલાઓ ચલાવતી હતી.
આ તો ઈતિહાસ બનીને રહી જાત પણ તેના પર ફિલ્મ બની છે. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ. ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નામ છે રાઈટિંગ વિથ ફાયર. આ અખબાર ક્યારે શરૂ થયું? અને કેમ બંધ થઈ ગયું? બુંદેલખંડમાંથી પ્રકાશિત થતું અખબાર ખબર લહેરિયા ભારતનું એકમાત્ર વર્તમાન પત્ર હતું જેને દલિત મહિલાઓ ચલાવતી હતી. આઠ પાનાનાં અખબારમાં મહિલા રિપોર્ટર બદલતા સમાજ, ભ્રષ્ટાચાર, સરકારના અધૂરા વાયદાઓ, ગરીબો અને મહિલાઓની જાણી અજાણી વાર્તાઓ સંભળાવતું હતું.
ખબર લહરિયા નામનું વર્તમાન પત્ર બુંદેલખંડી ભાષામાં વર્ષ 2002માં ચિત્રકૂટ સહિત બુંદેલખંડના કેટલાય જિલ્લાઓમાં પ્રકાશિત થતું હતું. જોકે 2015માં તે બંધ થઈ ગયું. ત્યારથી લઈને આજ સુધી મોબાઈલ પોર્ટલ પર ‘ખબર લહરિયા’ સંચાલિત છે. અહીં પત્રકારત્વનું એ ટુ ઝેડ કામ મહિલા પત્રકારો જ કરે છે. ખબર લહરિયા માટે તેના સંસ્થાપક એનજીઓ નિરંતરને યુનેસ્કો કિંગ સેજોગ લિટ્રસી સન્માન 2009 પણ એનાયત કરવામાં આવ્યું હતું.
ચિત્રકૂટના કુંજનપૂર્વા ગામના મધ્યમવર્ગીય પરિવારમાં એક છોકરી રહે. છોકરીનું નામ કવિતા અને ઉંમર તેની ત્રીસ વર્ષની. બિચારીના લગ્ન 12 વર્ષની ઉંમરમાં થઈ ગયા. લગ્નના કારણે તે વધારે અભ્યાસ ન કરી શકી. બાદમાં તેણે એક એનજીઓ ખોલ્યું. જેની મદદથી બાકી રહેલો અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 2002માં એક અખબાર શરૂ થયું. ખબર લહેરિયા તેનું નામ. જેમાં કવિતા પત્રકાર તરીકે જોડાઈ. ધીમે ધીમે અખબારની લોકપ્રિયતા અને તેનો પ્રસાર વધવા લાગ્યો, કારણ કે તે એ વસ્તુ દેખાડતી હતી જે અન્ય અખબારોમાં નહોતી પ્રકાશિત થતી.
કવિતાએ કહ્યું હતું કે, હું મહિલા થઈ તેમની વિરૂદ્ધ લખતી હતી એટલે મારા પર દબાણ લાદવામાં આવતું હતું. કેમ કે મોટા અખબારોએ કંઈ લખ્યું નહોતું. નાના અખબારો તેમની પોલ ખોલી રહ્યા હતા. અખબારમાં બાઈ લાઈન સમાચાર એટલે જ નથી આપવામાં આવતા કે રખેને લખનાર પત્રકારનું નામ ખબર પડી જાય.
થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા નિર્દેશિત રાઈટિંગ વિથ ફાયર દલિત મહિલાઓ દ્વારા સંચાલિત ભારતના એક માત્ર અને હવે બંધ થઈ ચૂકેલા અખબાર ખબર લહરિયાની વાર્તા છે. આ ડોક્યુમેન્ટ્રીમાં મુખ્ય રિપોર્ટર મીરાંના નેતૃત્વમાં દલિત મહિલાઓની મહત્વાકાંક્ષી સમૂહની વાર્તા દર્શાવવામાં આવી છે.
જે તમામ પત્રકારો કરે છે તેનાથી બિલકુલ ઉલટું ખબર લહેરિયાનું પત્રકારત્વ છે. પરંપરાગત ડિઝીટલ માધ્યમમાં તે આવી ચૂક્યું છે. અહીં પત્રકાર પોતાના વિસ્તારમાં કોઈને અન્યાય થયો હોય તો તેની ખૂદ તપાસ કરે છે. સ્થાનિક પોલીસની કામગીરી પર તે આંગળી ઉઠાવે છે. જાતિ અને લિંગ હિંસાના શિકાર બનેલા લોકો વિશે સાંભળે છે. ધમકીનો સામનો કરે છે. દલિત સમાજ જ નહીં કોઈને પણ અન્યાય થાય ત્યાં તેમનું પત્રકારત્વ ઊભું હોય છે.
આ સંસ્થાની કવિતા દેવીએ જણાવ્યું કે અવધના કેટલાક વિસ્તારોમાં પણ ખબર લહેરિયાનું પ્રકાશન કરવામાં આવતું હતું. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર અને જાગૃત બનાવવાનો છે. ફિલ્મનું નિર્માણ દિલ્હીની બ્લેક ટિકિટ કંપનીએ કર્યું છે. તેની શૂટિંગ ચિત્રકૂટ બાંદા અને બુંદેલખંડના કેટલાય જિલ્લાઓમાં થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
