મયૂર ખાવડુ – મેષ (અ.લ.ઈ) આજે પરિસ્થિતિ ખૂબ જ નાજુક રહેવાની શક્યતા છે. જૂના જોગીઓ અનબ્લોક કરતાં પુન: સંઘર્ષ રહેશે. ઝુકરબર્ગજી કહે છે કે અંગત ટોળકીને મજબૂત રાખવી જેથી વિરોધીને ધબધબાવીને ટ્રોલ કરી શકાય. કટુ કે કઠોર ભાષાનો ઉપયોગ કરવાથી પરિસ્થિતિ વણસવાની પૂરતી શક્યતા છે. કેચ પણ કરી દેય. પોસ્ટ મૂકતાં પહેલાં ઓન્લી મી હટાવી પબ્લિક કરવું.
વૃષભ (બ.વ.ઉ) ઝુકરબર્ગજી કહે છે કે આજ રોજ એક સારી પોસ્ટ આપના વતી લખાશે અને તેમાં બધા વાહ તમે સરસ લખો છો એવી ખોટી કોમેન્ટ કરશે. આવી ભ્રામક કોમેન્ટથી ચેતતા રહેજો. ખાસ કોઈના પુસ્તકને પ્રમોટ કરવાનો ઓર્ડર મળી રહેશે. પૈસાની શક્યતા નહીંવત્ છે. વધારે પડતા ફેસબુકના ઉપયોગથી અને સમયસર ભોજન ન લેવાના કારણે અસંતુલિતતા સર્જાશે. કબજીયાત રહેવાની શક્યતા.
મિથુન: (ક.છ.ઘ) અન્ય કોઈના મીમને પોતાના નામે શેર કરવાની જગ્યાએ ખૂદ મહેનત કરી નવા મીમ બનાવી શેર કરશો તો નવા મિત્રો બનશે અને લાઈકમાં પણ વધારો થશે. ઝુકરબર્ગજી કહે છે કે આજ રોજ કોઈ કન્યાની રિક્વેસ્ટ આવી શકે છે. જેનાથી ચેતવું. નારીના સ્વાંગમાં નરનો ભેટો થવાનો છે. કોઈના જન્મદિવસના ફોટો પર ઓમ શાંતિ લખતા બઘડાટી બોલે.
કર્ક (ડ.હ) આજે વિવાદાસ્પદ અને ઉત્તેજનાત્મક પોસ્ટ મૂકવાથી દૂર રહેવું. ઝુકરબર્ગજી કહે છે કે આજે સ્ક્રિનશોટ પડવાની એંધાણી છે અને મબલખ ગાળો પણ પડી શકે છે. કવિ અને લેખકની પોસ્ટમાં કોમેન્ટ ન કરવી. કોમેન્ટ કરવાની થાય તોપણ પરાણે લખી નાખવું કે, ‘તમારા જેવો એક પણ લેખક દીઠો નથી. અથવા તો અદભુત લખ્યું છે. કમાલ કરી નાખી તમે તો. હું આને તમારા નામ સાથે શેર કરું છું.’ કસરત કરતો ફોટો મૂકવાથી મિત્રો ઉપહાસ કરશે જેથી સૌ પ્રથમ કસરત ટાળવી. તેની જગ્યાએ પત્ની સાથેનો ફોટો મૂકવાથી આજે વાસણ ધોવાથી પણ બચી શકો.
સિંહ (મ.ટ) વિદ્યાર્થીઓને ઝુકરબર્ગજી ખાસ કહે છે કે પ્રાત:કાળે ફેસબુકનો ઉપયોગ ટાળવો. સામે મહિલાની જગ્યાએ પુરુષ પાત્ર સાથે ચર્ચા થવાનો સંયોગ છે. મામલો સાયબર ક્રાઈમ સુધી પહોંચી શકે છે. આજના દિવસે વ્યંગ અને કટાક્ષના ઉપયોગથી દૂર રહેવું. ભક્ત સાથે પ્રભુવાર્તાલાપ થશે અને મેષ રાશિ થકી બ્લોકત્વ પામશો.
કન્યા (પ.ઠ.ણ) કન્યા રાશિની મહિલાઓ માટે આજે શુભ સમાચાર છે. માત્ર દાંતનો ફોટો મૂકતા 500 લાઈક મળવાની હોવાનું ઝુકરબર્ગજી કહે છે. લાંબા વાળ ધરાવતી કન્યાઓને 300 કોમેન્ટ આવશે. ફેસબુકમાં લેખિકા થવા મથતી કન્યાઓ માટે આજે કોઈ મોટા અખબારની ઓફિસમાંથી સારા વાવડ આવી શકે છે. આ જ રાશિના પુરુષ જાતકો માટે માઠો દિવસ રહેશે. ઝુકરબર્ગજી કહે છે કે, સારામાં સારા લેખને પાંચ લાઈક મળશે. સારામાં સારી કવિતાને ત્રણ લાઈક અને કવિતા ભંગાર છે તેવી કોમેન્ટ આવવાની પૂરતી સંભાવના છે. કન્યા રાશિ ધરાવતા પુરુષોએ ભૂલથી પણ ફોટો અપલોડ ન કરવો.
તુલા (ર.ત) આ રાશિના મિત્રોને આજે વિદેશ પ્રવાસ યોગ છે. ફોરેનની યુવતી સાથે વાર્તાલાપ કરતાં કરતાં પુરુષો તેમની પ્રોફાઈલ ચેક કરશે અને યુરોપનો પ્રવાસ કરશે. ઝુકરબર્ગજી કહે છે કે, ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી આવડતું હોય તેમણે દૂર રહેવું. અંગ્રેજી આવડતું હોવાનો આત્મવિશ્વાસ નામેરી ફાંકો નીકળી જશે.
વૃશ્વિક (ન.ય) બે લોકોના ઝઘડાથી દૂર રહેવું. વચ્ચે ખોટે ખોટી કોમેન્ટ ન કરવી. જેની કોમેન્ટમાં છેલ્લા બે વર્ષથી લવ રિએક્ટ કરો છો તે કન્યા નહીં પણ કોઈ આધેડ છે તેની આજે જાણકારી મળશે. દોઢ વર્ષ પહેલાં કહેલા વેલેન્ટાઈન ડેના દિવસે કહેલા એ અદભુત શબ્દો બદલ આજે વસવસો અનુભવવાનો દિવસ છે. આ કારણે દવાખાને પ્રવાસ પણ થાય. ઝુકરબર્ગજી કહે છે કે આપનું આઈડી આજે ડિએક્ટિવેટ થવાની પૂર્ણત: શક્યતા છે.
ધન (ભ.ફ.ધ.ઠ) આ રાશિના પુરુષ જાતક છેલ્લા બે વર્ષથી જે યુવતી પાછળ ઘેલા થયા છે તે તેમની પત્ની જ ફેકઆઈડી સ્વરૂપે નીકળશે. અંતે ઘીનાં ઠામમાં ઘી ઢળશે. ઝુકરબર્ગજી મહિલાઓને ખાસ કહે છે કે આજના દિવસે પોતાનો સુંદર ફોટો અપલોડ ન કરવો. નહીં તો ફેક આઈડી બનશે. આ રાશિના લેખકોની જોડણીમાં ભૂલ નીકળતા આજે વિવાદ થવાની પણ સંભાવના છે. આજે પોસ્ટ કરવાથી દૂર રહેવું.
મકર (ખ.જ) ઝુકરબર્ગજી કહે છે કે આ રાશિના જાતકોએ આજે કોઈ પણ પોસ્ટ શેર ન કરવી. ખાસ ભક્તોના કાળા કકળાટનો સામનો કરવો પડશે. આવે વખતે સહયોગી અને ભક્ત વિરોધીઓ સ્ક્રિનશોટ પાડી મજા લેશે. મકર રાશિના જાતકો માટે ઝુકરબર્ગજી ખાસ કહે છે કે, ફેસબુકનો એક દિવસનો ઉપવાસ રાખો. થઈ શકે તો ફરાળમાં ફક્ત ગમતી છોકરીની પ્રોફાઈલ ચેક કરી ફરી આવી જાઓ. દિવસ સંઘર્ષમય રહેવાનો છે.
કુંભ (ગ.સ.શ.ષ) આ રાશિના જાતકો આજે કોઈ ખ્યાતનામ આર.જે સાથે સંઘર્ષ કરશે અને બદલામાં બ્લોકત્વ પામશે. પાંચ લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવશે અને પાંચે તેનું પેજ લાઈક કરવા માટે વણમાંગ્યું આમંત્રણ પાઠવશે.
મીન (દ.ચ.ઝ.થ) ઝુકરબર્ગજી કહે છે કે, આજે કોઈ લોકપ્રિય લેખકની ધોલાઈ થવાનો અતિ ઉત્તમ વાર છે. આ વારે તમે તેમના વહારે ના ઉતરશો. નાહકના આવા સમર્થનથી વાવાઝોડું તમારી તરફ ફંટાવાની ભરપૂર શક્યતા છે. આજના દિવસે સમર્થન કરવા કરતાં માત્ર કોમેન્ટ વાંચી આનંદ લો. આજે બરનોલની પણ કેટલીક સલાહો મળી શકે છે જે ભગ્ન હ્રદયે સહન કરવી. અજાણ્યા ગ્રુપમાં એડ થવાથી ભવિષ્યમાં સંકડામણમાં ફસાશો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત