Team Chabuk : તો ધ્યાનથી સાંભળ રાજા. વર્ધમાન નામના એક નગરમાં રુપસેન નામનો એક દયાળુ અને ન્યાયપ્રિય રાજા રહેતો હતો. સુશાસનનો પર્યાય જ સમજી લે. તેની જનતા પણ તેની ન્યાયપ્રિયતાથી ખૂબ જ ખુશ હતી. એક દિવસ તેને આસરે વીરવર નામનો એક યુવક આવ્યો. એ રાજાની સેવા કરવા માગતો હતો અને બદલામાં ધન કમાવવા ઈચ્છુક હતો. પહાડી શરીર હતું. ભુજાઓમાં અસીમ બળ સમાયેલું હતું. યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે જેવા સૈનિકની જરૂર હોય તેવો જ પ્રતીત થતો હતો.
પ્રથમ તો રાજાએ તેને પૂછ્યું, ‘વીરવર હું તને મારી સેવામાં રાખી શકું છું. તું બોલ તારે કેટલા ધનની આવશ્યકતા છે ?’
વીરવરે જે જવાબ આપ્યો તેનાથી રાજા પોતાના સિંહાસનમાંથી અડધા ઊભા થઈ ગયા અને બેસી ગયા. વીરવરે કહ્યું, ‘મહારાજા મને એક હજાર તોલા સોનું આપો. તમારી સેવામાં કોઈ ઉણપ વર્તાવા નહીં દઉં. આપ જ્યારે રાતે ઉંઘશો ત્યારે આખી રાત પહેરો દઈશ. તમારા દેહને આંચ નહીં આવવા દઉં.’
રાજાને તો ભારે આશ્ચર્ય થયું. તેણે માથા પર હાથ રાખી વિચાર્યું અને પછી પૂછ્યું, ‘વીરવર તારા પરિવારમાં કોણ કોણ છે?’
વીરવરે પ્રત્યુતર આપ્યો, ‘મહારાજા મારી પત્ની, દીકરી અને દીકરો.’ રાજાને વીરવરના મુખમાંથી નીકળેલા આ શબ્દો અચંબિત કરી ગયા. આખરે ચાર લોકો આટલા બધા ધનનું કરશે શું? રાજાએ વિચાર્યું કે કોઈ કારણ તો હશે જ આમ માની આંગણે આવેલા વીરવરની માગ સંતોષી. તેને રાતના પોતાની રક્ષા કાજે નિમણૂક કર્યો. એ રાજાની સેવા કરે અને બદલામાં રાજા નાણામંત્રીને આદેશ આપી તેને એક હજાર તોલા સોનું અપાવે. આટલો મોંઘો રક્ષક તો કોઈ પણ ધનિક રાજા માટે ખોટના ધંધા જેવો સાબિત થાય.
વીરવર આટલા ધનનું કરતો શું ? બ્રાહ્મણોમાં વેચી દેતો હતો. બાકીના બે ભાગ કરતો જેમાંથી એક મહેમાન, વેરાગી અને સંન્યાસીઓને આપી દેતો. વધેલા એક ભાગથી તે ગરીબોને પ્રથમ ભોજન કરાવતો અને પછી જે વધે તેનાથી તેનો પરિવાર અન્ન ગ્રહણ કરતો હતો. વીરવરનું કામ તો માત્ર એટલું જ કે રાત થતા તે ઢાલ અને તલવાર લઈ રાજાના પલંગની ચારેબાજુ ઘુમતો અને તેના દેહનું સુરક્ષા કવચ બની જતો. તેમના પર કોઈ હુમલો ન કરી દે તેની પૂરતી તકેદારી રાખતો હતો. રાજાને જ્યારે પણ વીરવરની આવશ્યક્તા પડતી ત્યારે ત્યારે તે ઉપસ્થિત જ રહેતો હતો.
રાજન્ એક રાતની આ વાત છે. અડધી રાત પસાર થઈ ગઈ હતી. સ્મશાન તરફથી કોઈના રડવાનો અવાજ આવ્યો. રાજા પથારીમાંથી સફાળા જાગી ગયા અને વીરવરને આદેશ આપતા કહ્યું, ‘વીરવર જા અને જાણી આવ તો કે આટલી મોડી રાતે કોણ ચોધાર આંસુએ રડી રહ્યું છે ? અને શા માટે રડી રહ્યું છે ? તેને કોઈ સમસ્યા તો નથી ને ?’
વીરવર રાજાની આજ્ઞાનું તત્કાલ પાલન કરતા ત્યાંથી નીકળી ગયો. સ્મશાનમાં જુએ છે તો આંખો વિસ્ફારિત થઈ ગઈ. એક સ્ત્રી સુંદર વસ્ત્રોથી સુસજ્જ, ઘરેણા પહેરી નાચી રહી છે. કૂદી રહી છે. ને પછી માથું કૂટી કૂટીને રડવા લાગે છે. વીરવર જુએ છે કે સ્ત્રી રડી તો રહી છે પણ તેની આંખોમાંથી અશ્રુનું એક ટીપું પણ નીચે નથી પડી રહ્યું. વીરવરે રહસ્ય જાણવા સ્ત્રીને પૂછ્યું, ‘તું કોણ છો ? શા માટે રડે છો ?’
તેણે કહ્યું, ‘હું રાજ લક્ષ્મી છું. રડી એટલા માટે રહી છું કે રાજા રુપસેનના મહેલમાં ખોટા કામ થઈ રહ્યા છે. ખોટા કામ થતા હોવાના કારણે તેના શાસનમાં દરિદ્રતા પડી પાથરી રહે છે. હું ત્યાંથી ચાલી જઈશ અને રાજા દુ:ખી થઈને એક જ મહિનામાં મૃત્યુ પામશે.’
વીરવરને પ્રથમ તો વિશ્વાસ જ ન આવ્યો. રાજા રુપસેનના શાસનમાં દરિદ્રતા કેવી રીતે પનપી રહી હોય. તેણે રાજ લક્ષ્મીને આ ઉપાધીમાંથી છૂટકારો મેળવવાનું કારણ પૂછ્યું, ‘હે રાજ લક્ષ્મી આ સમસ્યામાંથી બચાવાનો કોઈ ઉચિત્ત ઉપાય ખરો?’
રાજ લક્ષ્મી બોલી, ‘હા ઉપાય છે. અહીંથી પૂર્વમાં એક દેવીનું મંદિર છે. જો તું એ દેવીના મંદિરમાં, તેના ચરણોમાં, તારા પુત્રનું માથું વધેરીને રાખી દે તો આ સમસ્યામાંથી ઉગરી શકીશ. એ પછી રાજા સો વર્ષનું આયુષ્ય ભોગવશે.’
વીરવર ઘરે પહોંચ્યો અને પોતાની પત્નીને રાતે બનેલી ઘટના નખશીખ કહી સંભળાવી. પત્નીએ તુરંત દીકરા અને દીકરીને પણ ઉંઘમાંથી ઢમઢોળી જગાવ્યા. વીરવરના પુત્રએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેણે રાજીખુશીથી કહ્યું, ‘તમે મારું માથું કાપીને દેવીના ચરણોમાં ચડાવી દેજો. એક તો તમારી આજ્ઞા, બીજું આપના સ્વામીનું કામ, ત્રીજું કે આ દેહ દેવતા પર ચડે. તેનાથી વધીને બીજું શું હોઈ શકે? તમે તુરંત આ કાર્ય પતાવો.’
વીરવરે ભીની આંખોથી પોતાની પત્નીની સન્મુખ જોઈને કહ્યું, ‘હવે તું કહે.’
પત્નીએ ગળગળા સ્વરે કહ્યું, ‘સ્ત્રીનો ધર્મ તો પતિની સેવા કરવામાં જ છે.’
બીજા દિવસે સૂર્ય ઉગતા જ ચારેય પૂર્વ દિશામાં આવેલા દેવીના મંદિર પાસે પહોંચ્યા. વીરવરે દેવી સમક્ષ હાથ જોડીને કહ્યું, ‘હે દેવી. હું મારા એકના એક પુત્રની બલિ આપું છું. મારા રાજાની ઉંમર સો વર્ષની થાય.’
આટલું કહીને તેણે સીધી તલવાર રાખી પુત્રના માથા પર એટલી જોરથી વીંઝી કે, વીરવરના પુત્રનું માથું એક ઝાટકે ધડથી અલગ થઈ ગયું. ભાઈની આ સ્થિતિ જોઈ બહેને પણ પિતાના હાથમાંથી તલવાર લઈ પોતાનું માથું કાપી નાખ્યું. દુ:ખી માતાએ પણ પુત્ર અને પુત્રીની રાહે પોતાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. હવે છેલ્લો વીરવર બચ્યો હતો. તેણે વિચાર્યું કે એકલા રહીને જીવન કેવી રીતે વ્યતિત કરવું? કોના માટે જીવવું ? તેણે પણ પોતાનું શીશ દેવીના ચરણોમાં ધરી દીધું.
રાજાને આ વાતની ખબર પડી તો તે તુરંત ત્યાં પહોંચ્યો અને પોતાના કારણે ચાર નિર્દોષોના જીવ ગયા તે વિચારમાં ને વિચારમાં આંસુ સારવા લાગ્યો. રાજપાટ છોડી દેવાનું તેણે નક્કી કર્યું. ત્યાં પડેલી તલવાર ઉઠાવી લીધી અને ગરદન કાપવા જ જતો હતો ત્યાં દેવી પ્રસન્ન થઈ ગયા. દેવીએ રાજાને કહ્યું, ‘રાજા હું તારા સાહસથી પ્રસન્ન થઈ છું. તું જે માગીશ એ હું આપીશ.’
રાજાના હાથમાં રહેલી તલવાર મંદિરના પરિસરમાં પડી ગઈ. તેણે બે હાથ જોડી દેવી સમક્ષ વિનંતી કરતા કહ્યું, ‘તમે જો મારા પર પ્રસન્ન હો તો આ ચાર દેહને ફરી જીવિત કરી દો. એમનો કોઈ વાંક નથી. જો તમારી બલિની જ આશા હોય તો મારી બલિ સ્વીકારી લો.’
દેવીએ હાથમાંથી અમૃત જળ વહાવ્યું અને વીરવરનો પરિવાર સજીવન થઈ ગયો.
વૃક્ષ પર બેઠેલા ઘુવડે વેતાલ પર નજર નાખી અને આંખો ફાડી ફાડીને તેને જોઈ રહ્યું હતું. વેતાલે તેની તરફ સ્મિત લહેરાવ્યું અને પછી રાજાને કહ્યું, ‘તો બોલ વિક્રમ સૌથી મોટું પુણ્ય કોનું કહેવાય ?’
વિક્રમે તુરંત ઉત્તર આપી દીધો, ‘રાજાનું પુણ્ય સૌથી મોટું કહેવાય.’
વેતાલ બોલ્યો, ‘રાજા?? કંઈ ખોટું કહેવાય ગયું હોય એવું નથી લાગતું?’
વિક્રમે કહ્યું, ‘ના વેતાલ, પોતાના સ્વામી માટે સેવકે પ્રાણનો ત્યાગ કરવો એ તો એનો ધર્મ છે. પણ એક સેવક માટે રાજાનું રાજપાટ છોડીને પોતાના જીવની આહુતિ આપી દેવી એ મોટી વાત કહેવાય. આવું સાહસ મોટા મોટા રાજાઓ નથી કરી શકતા. સારા માણસોની હંમેશાં અગ્નિપરીક્ષા લેવાય છે. રુપસેનની પણ આ અગ્નિપરીક્ષા જ હતી.’
‘હું તો પૂછું પણ તારે કહેવાય ? ચાલ રાજા હું વિદાય લઉં.’ હસતો હસતો વેતાલ સિદ્ધવડ પર ઉંધો લટકી ગયો. રાજા વિક્રમે ફરી તેને નીચે ઉતાર્યો અને ખભા પર નાખ્યો. નાકને ઊંચી તાણતા વેતાલે કહ્યું, ‘વિક્રમ તું તો ધ્યેય પ્રત્યે અડગ છો. માર્ગ લાંબો છે. રાત પણ લાંબી છે. ચાલ તને એક વાર્તા સંભળાવું.’
(ક્રમશ:)
ચાબુક પર રોજ પ્રસિદ્ધ થઈ રહેલી વિશ્વ ક્લાસિક શ્રેણી વિક્રમ વેતાલના પાંચ પ્રકરણો પૂર્ણ થયા છે. પાંચે પ્રકરણો વાંચો એક ક્લિકે. વિક્રમ અને વેતાલની આ સિરીઝમાં તમારું કોઈ મંતવ્ય હોય તો અચૂક જણાવશો.
પ્રકરણ-1 https://www.thechabuk.com/vikram-ane-betaal-gujarati-full-story/
પ્રકરણ-2 https://www.thechabuk.com/vikram-ane-betaal-gujarati-full-story-chapter-two/
પ્રકરણ-3 https://www.thechabuk.com/vikram-ane-betaal-gujarati-full-story-chapter-three-paap-kone-lagyu/
પ્રકરણ-4 https://www.thechabuk.com/vikram-ane-betaal-gujarati-full-story-chapter-four-pati-kon/
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા